લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેં ક્યારેય સરકારની રવાન્ડા યોજનાની સફળતા પર સવાલ ઉઠાવ્યો નથી. હું ચાન્સેલર હતો ત્યારે રવાન્ડા યોજના પાછળ થનારા ખર્ચ પર સવાલ ઉઠાવવો એ મારી ફરજ હતી.
તાજેતરમાં એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 2022માં રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારે તેમણે રાજ્યાશ્રય વાંચ્છુઓને આફ્રિકન દેશમાં મોકલવાની યોજના પરત ખેંચાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને વિશ્વાસ નહોતો કે સરકારની આ નીતિ કામ કરશે. બીબીસીને આપેલી મુલાકાતમાં સુનાકે જણાવ્યું હતું કે, એક ચાન્સેલર તરીકે મેં તમામ યોજનાઓની ચકાસણી કરી હતી. તેનો અર્થ એ નથી થતો કે હું રવાન્ડા યોજનાનું સમર્થન નહોતો કરતો. મેં જ આ યોજના માટે ભંડોળને મંજૂરી આપી હતી. કોઇ વ્યક્તિ આકરા સવાલો કરે છે તેનો અર્થ એ નથી કે તે પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યો છે.
લેબર પાર્ટીના શેડો હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, મીડિયાએ જાહેર કરેલા દસ્તાવેજો દર્શાવે છે કે રવાન્ડા યોજના અંગે ટોરીઝનું વલણ કેવું રહ્યું છે. રિશી સુનાક કેટલાં નબળાં છે. તેઓ જાણતા હતા કે આ યોજના ઘણી ખર્ચાળ છે અને તેથી જ ચાન્સેલર તરીકે તેનો વિરોધ કર્યો હતો. હજુ કોઇ માઇગ્રન્ટને રવાન્ડા મોકલાયો નથી છતાં હવે તેઓ રવાન્ડાને 400 મિલિયન પાઉન્ડ ચૂકવી રહ્યા છે.
સુનાકે જણાવ્યું હતું કે, મેં દરેક પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા તેનો અર્થ એ નથી કે મને યોજનામાં વિશ્વાસ નથી. મારા પગલાં જ એ વાતનો પુરાવો છે અને રવાન્ડા યોજનાને અમલી બનાવવા વડાપ્રધાન તરીકે હું ખરડો પસાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.


