લંડનઃ યુકેમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મહાત્રેની 40 વર્ષ પહેલાં કરાયેલી કરપીણ હત્યાના રહસ્યો એક નવી ઇન્વેસ્ટિગેટિવ ડોક્યુમેન્ટરીમાં જાહેર કરાયાં છે, સાથે સાથે પહેલીવાર રાજદ્વારીના હત્યારાનું નામ પણ જાહેર કરાયું છે.
ન્યૂઝ9પ્લસ દ્વારા તૈયાર કરાયેલી મર્ડર ફ એન ઇન્ડિયન ડિપ્લોમેટ નામની ડોક્યુમેન્ટરીમાં મહાત્રેના હત્યારાનું નામ પહેલીવાર જાહેર કરાયું છે. રવિન્દ્ર મહાત્રેની યુકેના બર્મિંગહામમાં હત્યા કરાઇ હતી. મહાત્રે બર્મિંગહામ સ્થિત ઇન્ડિયન કોન્સ્યુલેટમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. 3 ફેબ્રુઆરી 1984ના રોજ ચાર આતંકવાદીએ ઓફિસની બહારથી મહાત્રેનું અપહરણ કર્યું હતું. તેમના અપહરણની જવાબદારી કાશ્મીર લિબરેશન આર્મી નામના અજાણ્યા સંગઠને લીધી હતી.
અપહરણકર્તાઓએ તે સમયે દિલ્હીની તિહાડ જેલમાં બંધ આતંકવાદી મકબૂલ બટ્ટ અને અન્ય 9ની મુક્તિની માગ સાથે 1 મિલિયન પાઉન્ડની ખંડણી પણ માગી હતી. પાંચ ફેબ્રુઆરી 1984ના રોજ મહાત્રેનો ગોળીથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આતંકવાદીઓને ભય હતો કે તેમની યોજના સફળ થઇ શકે તેમ નથી તેથી તેમણે ઠંડા કલેજે મહાત્રેની હત્યા કરી નાખી હતી.
ન્યૂઝ9પ્લસના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે ભારતીય રાજદ્વારીની હત્યા કરનારો વ્યક્તિ મલિક મસરત હતો જે હાલ પાકિસ્તાની કબજા હેઠળના કોટલીમાં રહે છે અને તેને હજુ ધરપકડનો ભય સતાવી રહ્યો છે બે સાક્ષીઓએ મહાત્રેના હત્યારાની ઓળખ કરી હોવાનો ડોક્યુમેન્ટરીમાં દાવો કરાયો છે.
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પૂર્વ સેક્રેટરી જનરલ શાબિર ચૌધરીએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે રવિન્દ્ર મહાત્રેની હત્યાનો આદેશ જેકેએલએફના વડા અમાનુલ્લા ખાન દ્વારા અપાયો હતો. ખાનને ભય હતો કે પોલીસ અપહરણકર્તાઓને ઝડપી લેશે જેના કારણે તેના સંગઠનની બદનામી થશે તેથી તેણે અપહરણકર્તાઓને નવા સંગઠનનું નામ આપ્યું હતું.
અમાનુલ્લા ખાનના ગાઢ સાથી અને 1971માં ભારતીય વિમાન ગંગા એરક્રાફટનું અપહરણ કરનારા હાશિમ કુરેશીએ જણાવ્યું હતું કે, આ અપહરણમાં મસરત ઇકબાલની સંડોવણી હતી જે અમાનુલ્લા ખાનનો ભાડૂઆત હતો.


