લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રશિયન ગેસ પર આધાર ઘટાડી દેવા થોડા દિવસોમાં નવી ‘એનર્જી સપ્લાય સ્ટ્રેટેજી’ પોલિસીની જાહેરાત કરવાનું જણાવી સ્પષ્ટ કર્યું હતું કે રશિયન ગેસનો પુરવઠો રાતોરાત બંધ ન કરી શકાય. રશિયન ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે સામૂહિક યુરોપિયન અને વેસ્ટર્ન સ્ટ્રેટેજી ઘડવા પર જ્હોન્સને ભાર મૂક્યો છે. યુકે રશિયન એનર્જી સ્રોતો પર આધારિત છે ત્યારે સરકારના નેટ ઝીરો લક્ષ્યાંકો પર પાણી ફેરવી દેવાવાની શક્યતા પણ છે. કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો અને ડચ પ્રાઈમ મિનિસ્ટર માર્ક રુટે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વડા પ્રધાન જ્હોન્સને સ્વીકાર્યું હતું કે રશિયન ગેસ પરનો આપણો આધાર રાતોરાત ખતમ થઈ શકે નહિ. જોકે, અન્ય પશ્ચિમી દેશોની સરખામણીએ વ્લાદિમીર પુટિનના સ્રોતો પરની નિર્ભરતા ઘટાડવામાં યુકે ઝડપથી આગળ વધી શકે છે.
રશિયન હાઈડ્રોકાર્બન્સથી આપણે અળગાં થવું જોઈએ પરંતુ, તે તબક્કાવાર કરવું પડશે. આપણે પાસે વૈકલ્પિક પુરવઠો હોય તેની ચોકસાઈ કરવી પડશે. વડા પ્રધાનનો એવો મત છે કે બ્રિટન દ્વારા ન્યુક્લિયર અને રીન્યુએબલ એનર્જી સ્રોતોનો ઉપયોગ કરાતા પહેલા પશ્ચિમી દેશો અને ખાસ કરીને યુએસ અને કેનેડાએ તેમનું ગેસ ઉત્પાદન વધારવું જોઈએ.
ડચ પ્રાઈમ મિનિસ્ટર માર્ક રુટે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશો હજુ પણ રશિયન ગેસ અને ઓઈલ પર ઘારે આધાર રાખે છે તે વરવી વાસ્તવિકતા છે અને સમગ્ર વિશ્વ પર તેની વ્યાપક અસરો છે. ગત મહિને બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે ટ્વીટ કર્યું હતું કે યુરોપથી વિપરીત બ્રિટન રશિયન ગેસ પર નિર્ભર નથી.


