લંડન
રશિયાના યુક્રેન પરના આક્રમણની પહેલી વરસી પર કિંગ ચાર્લ્સ તૃતિયે રશિયા દ્વારા કરાયેલા આક્રમણને વખોડી કાઢ્યું છે. તેમણે યુક્રેનની જનતાના સાહસ અને રશિયાની સેનાને આપેલી ટક્કરને બિરદાવી હતી. આ યુદ્ધમાં લાખો લોકો માર્યાં ગયાં છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યુકેમાં શુક્રવારે 11 કલાકે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આગામી જી-7ની બેઠકમાં વડાપ્રધાન રિશી સુનાક યુક્રેનને શસ્ત્ર સહાય ઝડપી બનાવવા માટે સાથી દેશોને અપીલ કરશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત મૌનમાં બ્રિટનમાં તાલીમ લઇ રહેલા યુક્રેનના સૈનિકદળોના સભ્યો પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે વડાપ્રધાન રિશી સુનાક, તેમના પત્ની અક્ષતા મૂર્તિ અને યુક્રેનના બ્રિટન ખાતેના રાજદૂત વાદિમ પ્રેસ્ટેઇકો પણ હાજર રહ્યાં હતાં. એક મિનિટના મૌન બાદ યુક્રેનના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.
પોતાના સંદેશામાં કિંગ ચાર્લ્સે યુકે અને તેના સહયોગી દેશો દ્વારા યુક્રેનને છેલ્લા એક વર્ષમાં કરાયેલી મદદની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુકે અને સહયોગી દેશો આ મુશ્કેલ સમયમાં પણ યુક્રેનને મદદ કરવાના સંભવિત તમામ પ્રયાસ કરી રહ્યાં છે. યુક્રેનની જનતા પર થોપી દેવાયેલા યુદ્ધની ભયાનકતા વિશ્વે નિહાળી છે. તેમાંથી ઘણાને મળવાની મને તક પણ મળી છે. વિશ્વભરમાંથી યુક્રેનને મળી રહેલી સહાય દર્શાવે છે કે આપણે એકજૂથ થઇને યુક્રેનની સાથે ઊભા છીએ.


