રશિયા પર આર્થિક પ્રતિબંધોઃ યુક્રેનને સહાય

Tuesday 01st March 2022 13:12 EST
 

લંડનઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પડોશી દેશ યુક્રેન પર કરેલા આક્રમણના પગલે સમગ્ર વિશ્વમાં રોષ ફેલાયો છે. પશ્ચિમી લશ્કરી સંગઠન નાટો સાથે જોડાણના મુદ્દે ઉદ્ભવેલી સમસ્યા છતાં, નાટો દેશો પ્રત્યક્ષપણે યુદ્ધથી અળગાં રહ્યા છે. જોકે, રશિયાને આર્થિક રીતે ભાંગી નાખવા અનેક આર્થિક પ્રતિબંધો જાહેર કરાયા છે. રશિયા પરના તમામ પ્રતિબંધોમાં તેના સહયોગી બેલારુસને પણ આવરી લેવાયું છે. બેવડા ઉપયોગની ટેકનોલોજીની તમામ નિકાસ, ખાણ ઉદ્યોગ માટે હાઈ-ટેક આઈટમ્સ અને પુરવઠાને તાકીદની અસરથી પ્રતિબંધિત કરાયા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયાના આક્રમણ સામે લડવા હથિયારો આપવા વિશ્વસમાજને કરેલી અપીલના પગલે અમેરિકા, બ્રિટન અને યુરોપીય દેશોએ યુક્રેનને શસ્ત્રોની સહાય શરૂ કરી છે.

રશિયન બેન્ક્સ, ધનાઢ્યો અને સંસ્થાઓ પર પ્રતિબંધો

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રશિયા વિરુદ્ધ નવા આર્થિક પ્રતિબંધોમાં 100થી વધુ રશિયન ધનાઢ્યો અને સંસ્થાઓ-બિઝનેસીસ- સબસિડિયરીઝને ઝપેટમાં લીધા છે. જ્હોન્સને યુક્રેન પર હુમલાના પગલે રશિયન અર્થતંત્રને ખોરવી નાખવાની ચિમકી ઉચ્ચારી હતી. જ્હોન્સને કોમન્સ સમક્ષ જણાવ્યું હતું કે બીજા ક્રમની સૌથી મોટી બેન્ક VTB સહિત

મોટા ભાગની રશિયન બેન્કોની સંપત્તિ ફ્રીઝ કરી દેવાશે તેમજ રશિયન એરલાઈન એરોફ્લોટના વિમાનોને યુકેમાં ઉતરવા નહિ દેવાય. જ્હોન્સને કહ્યું હતું કે લંડનમાં રહેતા રશિયન ધનાઢ્યો માટે છુપાવાનું કોઈ સ્થળ નહિ રહે. તેમણે કહ્યું હતું કે પ્રતિબંધો લાદવા માટે વધુ યાદી તૈયાર કરાઈ રહી છે.

પ્રતિબંધિત કંપનીઓમાં રશિયન ડિફેન્સ સેક્ટરની પાંચ મહત્ત્વની કંપનીઓ છે જેમાં દેશની સૌથી મોટી ડિફેન્સ કંપની રોસ્ટેકનો પણ સમાવેશ થાય છે. રોસ્ટેકમાં 2 મિલિયનથી વધુ કર્મચારી કામ કરે છે અને દર વર્ષે 10 બિલિયન પાઉન્ડના શસ્ત્રોની નિકાસ કરે છે. ડિફેન્સ કંપનીઓની 70થી વધુ પેટાકંપનીઓ પણ પ્રતિબંધ હેઠળ આવરી લેવાઈ છે. આ બધાની સંપત્તિઓ સ્થગિત કરી દેવાશે તેમજ યુકેસ્થિત કંપનીઓ અને વ્યક્તિઓ તેમની સાથે કોઈ વ્યવહાર કરી શકશે નહિ. તમામ મોટી રશિયન કંપનીઓ યુકેના બજારોમાંથી ફાઈનાન્સ મેળવી શકશે નહિ તેમજ રશિયયા બ્રિટનમાં તેના સોવરિન કરજને પણ વધારી શકશે નહિ.

સ્વિફ્ટમાંથી પણ રશિયાની હકાલપટ્ટી

રશિયાની સેન્ટ્રલ બેન્ક પર પ્રતિબંધ લાગવા ઉપરાંત, રશિયા સ્વિફ્ટ ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમની સુવિધા પણ મેળવી શકશે નહિ. વિશ્વની ટોચની બેન્કિંગ મેસેજિંગ સર્વિસ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (Swift – સ્વિફ્ટ)માં 200થી વધુ દેશની 11,000 બેન્કો અને સંસ્થાઓ જોડાયેલી છે. વૈશ્વિક બેન્કિંગ વ્યવસ્થામાંથી રશિયાની હકાલપટ્ટી તેના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે.અમેરિકા, બ્રિટન,યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, અને કેનેડાના પ્રમુખોએ રશિયન કંપનીઓની સંપત્તિઓની તપાસ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ નિયુક્ત કરવાની પણ સંમતિ સાધી છે.

સુપર રિચ રશિયનો પર ધોંસ

ક્રેમલિન સાથે નિકટ સંપર્ક ધરાવતા પાંચ સુપરરિચ રશિયનોને પણ છોડવામાં નહિ આવે અને તેમના આર્થિક વ્યવહારો અટકાવી દેવાશે. તેમના બાળકો જો બ્રિટિશ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા હશે તો તેમની ફી પણ ભરી શકાશે નહિ. આ યાદીમાં અગાઉ પુટિનની પુત્રી સાથે લગ્ન કરનાર સૌથી યુવાન બિલિયોનેર કિરિલ શામાલોવ, પીએસ બેન્કના વડા પિટ્ર ફ્રેડકોવ, VTB બેન્કના ડેપ્યુટી પ્રેસિડેન્ટ ડેનિસ બોર્ટનિકોવ, ડિફેન્સ કંપની ડાયરેક્ટર યુરિ સ્લીયુસાર અને નોવિકોમ બેન્કની ચેર એલેના જ્યોરજિવાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ ધરાવતા સુપરરિચ રશિયનો માટે વિશ્વની શ્રેષ્ઠ હોટેલ્સમાં નિવાસ કે હેરોડ્સ જેવા લક્ઝુરિયસ સ્ટોર્સમાંથી ખરીદી કરવાનું મુશ્કેલ બની જશે. તેમના રોજબરોજના આર્થિક વ્યવહારો પર પણ પ્રતિબંધ આવી જશે. કોઈ પણ રશિયન નાગરિક યુકેની બેન્કમાં કેટલી થાપણ રાખી શકે તેની મર્યાદા રાખવાનું પમ વિચારાઈ રહ્યું છે.

જ્હોન્સન નાટો દેશોની મુલાકાતે

યુક્રેન સાથે પુટિનનું યુદ્ધ છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગયું છે ત્યારે વડા પ્રધાન જ્હોન્સન પશ્ચિમી દેશોની એકતા દર્શાવવા રશિયા સાથે સરહદ ધરાવતા નાટો દેશો પોલેન્ડ અને ઈસ્ટોનિયાની મુલાકાતે ગયા છે. તેઓ ત્યાં વડા પ્રધાનોને મળવા સાથે યુકેના દળોની પણ મુલાકાત લેશે. જ્હોન્સને રશિયન પ્રમુખને તેમના અવિચારી પગલાનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચિમકી પણ આપી છે. યુદ્ધના પરિણામે દેશ છોડી રહેલા યુક્રેની નાગરિકોને વિઝાની જરૂરિયાતોથી મુક્ત રાખવાનું દબાણ જ્હોન્સન પર વધી રહ્યું છે. જો યુક્રેન પર આક્રમણ સફળ થાય તો પોલેન્ડ અને ઈસ્ટોનિયા પણ પુટિનની નજરમાં રહેશે. રશિયાએ સોમવારે ક્લસ્ટર બોમ્બ્સના ઉપયોગ ઉપરાંત, નાગરિકોને પણ લક્ષ્ય બનાવ્યાના અહેવાલો છે. વિશાળ રશિયન કાફલો રાજધાની કીવ તરફ આગળ ધપી રહ્યો છે. સેટેલાઈટ ઈમેજીસમાં રશિયન બખ્તરિયા વાહનો, ટેન્ક્સ, આર્ટિલરીઝ અને લોજિસ્ટિકલ વાહનોની 40 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter