લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ટપાટપી બાદ વિશ્વમાં રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે વિવિધ અભિપ્રાય પ્રવર્તી રહ્યાં છે. આ સ્થિતિમાં કોણ કયા સ્થાને છે તે જાણવું રસપ્રદ થઇ પડશે.
યુક્રેન
રશિયા ફરી આક્રમણ ન કરે તેની બાંયધરી અમેરિકા અને અન્ય યુરોપિયન સાથી દેશો દ્વારા આપવામાં આવે ત્યારે જ સાચી શાંતિનો અમલ કરી શકાશે. ફક્ત યુદ્ધવિરામ અસરકારક પરિણામ આપી શકશે નહીં.
અમેરિકા
યુક્રેન કોઇપણ પ્રકારની સુરક્ષા ગેરેંટી વિના રશિયા સાથે શાંતિ કરાર કરે. તે ઉપરાંત અમેરિકાએ આપેલા નાણાના બદલામાં યુક્રેનમાં રહેલા ખનીજો અમેરિકાને હવાલે કરે. યુક્રેન નાટોમાં જોડાવાની જીદ પણ છોડી દે.
યુરોપ
યુરોપના હંગેરી સિવાયના મોટાભાગના દેશ યુક્રેનના સમર્થનમાં છે. તેઓ યુક્રેનને રશિયાની સામે સુરક્ષા ગેરેંટી આપવા પર ભાર મૂકી રહ્યાં છે. તે ઉપરાંત યુરોપના દેશો યુક્રેનમાં શાંતિ દળો તહેનાત કરવાની યોજના પણ રજૂ કરી રહ્યાં છે. યુરોપના દેશો યુક્રેનને નાટોમાં સમાવવાના પણ હિમાયતી છે.
રશિયા
રશિયા ઇચ્છે છે કે યુક્રેન ડોનેત્સ્ક, લુગાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝઝિયા પ્રદેશો પરનું નિયંત્રણ રશિયાને સોંપી દે. રશિયા આ ચાર ઉપરાંત ક્રિમિયા મુદ્દે કોઇપણ બાંધછોડ કરવા તૈયાર નથી. રશિયા ઇચ્છે છે કે યુક્રેનને નાટોનું સભ્યપદ આપવામાં ન આવે. રશિયા યુક્રેનમાં યુરોપિયન શાંતિ દળોનો પણ વિરોધ કરી રહ્યો છે.