રશિયા વિરુદ્ધ યુકેના નવા પ્રતિબંધોઃ ગોલ્ડ રિઝર્વ પર નજર રહેશે

Wednesday 30th March 2022 02:29 EDT
 
 

લંડન, બ્રસેલ્સઃ નાટો, ઈયુ અને G7 દેશોએ યુક્રેનની વર્તમાન સ્થિતિ સંદર્ભે બ્રસેલ્સમાં ઈમર્જન્સી બેઠકો યોજી હતી. નાટોએ બલ્ગેરિયા, હંગેરી, રોમાનિયા અને સ્લોવેકિઆમાં નવા બેટલ ગ્રૂપ્સ ઉભાં કરવાની જાહેરાત કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રશિયાને તેના રુબલ ચલણને ઊંચે લઈ જવાના પ્રયાસમાં ગોલ્ડ રિઝર્વ્સનો ઉપયોગ કરતું અટકાવવાનું સૂચન કર્યું હતું. યુકેએ પ્રાઈવેટ મિલિટરી ફર્મ અને મોટી રશિયન બેન્ક સહિત વધુ 65 ગ્રૂપ્સ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદતી જાહેરાત કરી હતી.

જ્હોન્સને નાટો સમિટ અગાઉ કહ્યું હતું કે યુકે અને પશ્ચિમી દેશોએ વ્લાદિમીર પુટિન સામે આર્થિક ગાળિીયો વધુ કસવો જોઈએ. યુક્રેનના નાગરિકોને લક્ષ્ય બનાવી રશિયાએ ‘રેડ લાઈન્સ’ ઓળંગી છે અને વધુ કઠોર પગલાં યુદ્ધને ટુંકાવવામાં મદદ કરી શકશે.રશિયાને તેની કેશ રિઝર્વ્સનો ઉપયોગ કરતા અટકાવાયું છે તે જ રીતે તેની સોનાની અનામતોનો ઉપયોગ કરતા પણ અટકાવી શકાય. યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયાની સેન્ટ્રલ બેન્કે રશિયન રુબલને ટકાવી રાખવા માટે 640 બિલિયન ડોલરની રોકડ કરન્સી અને સોનાની અનામતોનો થોડો ખજાનો ઉપયોગમાં લીધો હતો.

રશિયન મિલિટરી માટે કામ કરતી મનાતી પ્રાઈવેટ મિલિટરી ફર્મ વેગનર ગ્રૂપ તેમજ રશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક અને રશિયન ઓઈલ અને ગેસ માટે ચૂકવણીની મુખ્ય ચેનલ્સમાં એક ગાઝપ્રોમબેન્ક, રશિયન માલિકીની શિપિંગ ફર્મ સોવકોમફ્લોટ પણ યુકેના પ્રતિબંધમાં આવી ગઈ છે. રશિયા વિરુદ્ધ અનેક નવા નાણાકીય પ્રતિબંધો જાહેર કરવા ઉપરાંત, યુકે સરકારે યુક્રેનને એન્ટિ-ટેન્ક સહિત વધુ 6000 મિસાઈલ્સ મોકલવાની જાહેરાત કરી હતી. અગાઉ, યુકેએ 4000 ટેન્કવિરોધી શસ્ત્રો મોકલ્યા હતા. આ ઉપરાંત, યુક્રેની સૈનિકોના પગારની ચૂકવણી માટે વધુ 25 મિલિયન પાઉન્ડની સહાય મોકલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter