લંડનઃ વિશ્વપ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષપદે ચૂંટાઈને ભારતની વિદ્યાર્થિની રશ્મિ સામંતે ડંકો વગાડી દીધો છે. કર્ણાટકની રશ્મિ સામંતે મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)માંથી મિકેનિકલ એન્જિનિઅરિંગના અભ્યાસ પછી સાત મહિના અગાઉ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે સ્વપ્નમાં પણ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડવાનું વિચાર્યું ન હતું. પણ ચૂંટણીમાં ઝૂકાવ્યું એટલું જ નહીં, પણ તેણે હજારો વિદ્યાર્થીઓના મત મેળવીને તેના ત્રણ હરીફોને પરાજિત પણ કર્યા.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય વિદ્યાર્થિની સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખપદની ચૂંટણી જીતી છે. ઓક્સફર્ડમાં એનર્જી સિસ્ટમ વિષયમાં એમએસસી કરી રહેલી રશ્મિનું કહેવું છે કે, વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનું લક્ષ્ય નક્કી કર્યા બાદ તેના પરથી ધ્યાન ભટકી ના જાય તે જોવું જરૂરી છે. આમ છતાં પોતાના રસની પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવી જોઈએ.
ઓક્સફર્ડ સ્ટુડન્ટ યુનિયનના વેબપોર્ટલ પર રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ૪,૮૮૧ વિદ્યાર્થીએ કુલ ૩૬,૪૦૫ મત આપ્યા હતા જેમાંથી, પ્રમુખપદ માટે નંખાયેલા ૩,૭૦૮ મતોમાંથી રશ્મિને ૧૯૬૬ મત હાંસલ થયાં હતાં. બીજા શબ્દોમાં કહીએ તો, રશ્મિને મળેલા મત બાકીના ત્રણ હરીફોના સંયુક્ત મતથી પણ વધુ હતા.
રશ્મિએ બિનસંસ્થાનવાદ અને સમાવેશીતા, તમામ માટે કોવિડ-૧૯ સંદર્ભે સવલતો, ગુણવત્તાપૂર્ણ માનસિક આરોગ્ય સ્રોતોની સુવિધા અને યુનિવર્સિટીના ડિ-કાર્બનાઈઝિંગના ચાર મુખ્ય મુદ્દા સાથે ચૂંટણી લડી હતી. તેણે ચૂંટણીપ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે તે ૧૭મી સદીમાં બાર્બાડોસમાં સૌથી વિશાળ સુગર પ્લાન્ટેશન્સ વારસામાં મેળવનારા અને ગુલામોના માલિક ક્રિસ્ટોફર કોડરિંગ્ટન સહિત સામ્રાજ્યવાદી પૂરવાર થયેલા લોકોના પૂતળાં યુનિવર્સિટી અને કોન્ફરન્સ ઓફ કોલેજીસમાંથી દૂર કરવા માટે લોબિઈંગ કરશે.
સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે ચૂંટાયા અગાઉ એક ઈન્ટરવ્યૂમાં રશ્મિએ જણાવ્યું હતું કે, ‘દરેક વિદ્યાર્થી તેમના બેકગ્રાઉન્ડ - ઓળખને ધ્યાનમાં રાખ્યા વિના જ અહીં સંકળાયેલા હોવાની લાગણી ધરાવે તે નિશ્ચિત કરવાનું મારું મુખ્ય લક્ષ્ય છે. મારી ટેગલાઈન રિફોર્મ ઓક્સફર્ડની રહેશે.’
ઓક્સફર્ડ યુનિવર્સિટીની લિનાક્રે કોલેજમાં એનર્જી સિસ્ટમ વિષયમાં એમએસસીની ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) કોરોના મહામારીના અંતની જાહેરાત કરે ત્યાં સુધી રેસિડેન્સી આવશ્યકતામાંથી મુક્તિ મળે તે માટે પણ દબાણ કરવાની આશા રાખે છે.
રશ્મિના પિતા દિનેશ સામંત ઉડુપી નજીક પરકાલામાં બિઝનેસ કરે છે જ્યારે તેની માતા વત્સલા સામંત ગૃહિણી છે. રશ્મિએ મણિપાલ અને ઉડુપીમાં જ શાળા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેણે એમઆઇટી ખાતે ટેકનિકલ સેક્રેટરી ઓફ ધ સ્ટુડન્ટ કાઉન્સિલ બનવા ઉપરાંત, મણિપાલ હેકેથોનની શરૂઆતથી જ સામાજિક પડકારોનો સામનો કરવામાં ડિજિટલ ઉપાય સહિત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરાવવામાં યોગદાન પણ આપ્યું છે.


