લંડનઃ સરકારે પહેલી ફેબ્રુઆરી ૨૦૧૬થી ‘રાઈટ ટુ રેન્ટ’ નિયમો દાખલ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો હેઠળ ઈંગ્લેન્ડના તમામ ખાનગી મકાનમાલિકોએ નવા ભાડૂતોને મકાન ભાડે આપતા પહેલા તેઓ યુકેમાં રહેવાનો અધિકાર ધરાવે છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે. જો મકાનમાલિકો આગોતરી ચકાસણીમાં નિષ્ફળ જાય તો પ્રતિ ભાડૂત £૩,૦૦૦ સુધીની પેનલ્ટીનો સામનો કરવાનો રહેશે. આ નિયમો ખાનગી મકાનમાલિકો ઉપરાંત, પ્રોપર્ટી પેટા ભાડે આપતા અને લોજર્સને રહેવા જગ્યા આપનારાને લાગુ પડશે.
ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે જણાવ્યું હતું કે, રાઈટ ટુ રેન્ટની ચકાસણી ઝડપી અને સરળ છે તેમ જ ઘણાં જવાબદાર મકાનમાલિકો રાબેતા મુજબ આ કામગીરી કરે જ છે. ચકાસણી નિયમો પહેલી ફેબ્રુઆરી ૨૦૧૬થી અમલી બને તે પહેલા ઈંગ્લેન્ડના બધા મકાનમાલિકોને જરૂરી સલાહ અને સપોર્ટ પૂરા પાડીશું. નવા નિયમો ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવા માટે દાખલ કરાયેલા ઈમિગ્રેશન એક્ટ ૨૦૧૪ના ભાગરૂપે છે. ‘રાઈટ ટુ રેન્ટ’ નિયમો ગેરકાયદે રહેવાસીઓને યુકેમાં રહેતા અટકાવવા માટે છે.’
આ નિયમો પ્રથમ તબક્કામાં વેસ્ટ મિડલેન્ડ્સના બર્મિંગહામ, ડડલી, સેન્ડવેલ, વોલ્સાલ અને વુલ્વરહેમ્પ્ટનમાં લાગુ પડાયા હતા અને હવે આ બીજો તબક્કો છે. મકાનમાલિકોએ તમામ નવા ભાડૂતોના ઓળખ દસ્તાવેજો ચકાસવા પડશે અને તેની નકલો કરાવવી પડશે. તેઓ લેન્ડલોર્ડ્સ ચેકિંગ સર્વિસની મદદથી વ્યક્તિના ભાડે લેવાના અધિકારની ચકાસણી કરી શકશે.