રાજ કુંદ્રાઃ એક સફળ યુવા બિઝનેસમેનથી લઇને પોર્ન ફિલ્મ બનાવવાના આરોપ સુધીની કહાણી

Wednesday 21st July 2021 13:22 EDT
 
 

મુંબઇઃ હિન્દી ફિલ્મઉદ્યોગના ચાહકોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય પતિ રાજ કુંદ્રાની ધરપકડે મોટી ચર્ચા જગાવી છે. મુંબઈ પોલીસે સોમવારે તેને અશ્લીલ ફિલ્મ સંબંધિત કેસમાં પૂછપરછ મામલે સમન્સ પાઠવીને બોલાવ્યો હતો. જોકે, પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ હતી. ધરપકડના સમાચાર આવતાં જ સોશિયલ મીડિયાથી લઈ અખબારી માધ્યમોમાં આ મુદ્દો છવાયો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા એક બિઝનેસમેન છે. અને શિલ્પા તેની બીજી પત્ની છે.

રાજ કુન્દ્રા સામે આરોપ શું છે?
મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરી-૨૦૨૧માં કુંદ્રા સામે એક પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં આરોપ હતો કે કુંદ્રા કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી તેને એક પેઇડ મોબાઇલ એપ્લિકેશન પર સ્ટ્રિમિંગ માટે અપલોડ કરતી કંપની સાથે સંકળાયેલા છે. હાલ આ કેસમાં કુંદ્રા સહિત અન્ય ૧૧ લોકોની ધરપકડ થઈ હોવાના સમાચાર છે. કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયા છે. આ કેસ અને ધરપકડ મામલે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે પત્રકાર પરિષદ યોજી હતી.
તેમણે કહ્યું, ‘ફેબ્રુઆરી-૨૦૨૧માં મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં અશ્લીલ ફિલ્મો બનાવવાની તથા તેને કેટલીક મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવાની ફરિયાદ કરાઈ હતી. આ સમગ્ર કેસમાં રાજ કુંદ્રા મુખ્ય ષડ્યંત્રકર્તા હોવાથી અમે તેની ધરપકડ કરી છે.’
તેમણે ઉમેર્યું, ‘અમારી પાસે આ વિશે પૂરતા પુરાવા છે. તપાસ હજુ પણ ચાલુ છે.’
કુંદ્રા સામે આઈપીસીની કલમો તથા આઈટી અને મહિલાસુરક્ષા સંબંધિત કાનૂનની કેટલીક કલમો લગાવાઈ હોવાના અહેવાલ છે.

કોણ છે રાજ કુંદ્રા?
રાજ કુંદ્રાનો જન્મ યુકેમાં થયો હતો. તેમના પિતા પંજાબના રહેવાસી હતા. પરંતુ તેઓ બાદમાં યુકેમાં સ્થાયી થયા હતા, જ્યાં એક સમયે તેઓ બસ કંડક્ટરની નોકરી કરતા હતા. કુંદ્રા શરૂઆતમાં ‘પશમીના શાલ’નો વેપાર કરતા હતા. ત્યારપછી તેમણે કેટલાક અન્ય બિઝનેસમાં હાથ અજમાવ્યો અને મોટા ગજાના બિઝનેસમેન બન્યા. તેમનો ઉછેર યુકેમાં જ થયો છે. જ્યારે માતાપિતા યુકેમાં સ્થાયી થતાં પહેલાં પંજાબના લુધિયાણામાં રહેતાં હતાં.
પિતા કંડક્ટર હતા અને માતા એક દુકાનમાં કામ કરતાં હતાં. પરિવાર સાધારણ હતો, પરંતુ પછી તેમના પિતાએ એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
કુંદ્રા ૧૮ વર્ષના થયા પછી દુબઈ જતા રહ્યા અને ત્યાંથી નેપાળ પણ ગયા. ત્યાંથી તેમણે શાલનો બિઝનેસ શરૂ કર્યો. તેઓ નેપાળથી બ્રિટન પરત ફર્યા તો પોતાની સાથે કન્ટેનર ભરીને શાલ પણ લેતા આવ્યા હતા. આ તમામ શાલ તેમણે મોટા બ્રિટિશ હાઉસમાં સપ્લાય કરી. પ્રથમ વર્ષે જ તેમને લગભગ બે કરોડ પાઉન્ડનો ફાયદો થયો.
હવે રાજ પાસે અન્ય વેપારમાં ઝંપલાવવા માટે પૂરતા પૈસા હતા. તેમણે હીરાનો વેપાર શરૂ કર્યો અને સફળ રહ્યા. રશિયા, યુક્રેન અને યુનાઇટેડ આરબ અમિરાત જેવાં રાષ્ટ્રોમાં વેપારની સંભાવના જોતાં રાજે માઇનિંગ, રિયલ એસ્ટેટ અને અક્ષય ઊર્જા જેવાં ક્ષેત્રોમાં પણ ડગ માંડ્યાં.
ત્યારબાદ તેમણે દુબઈમાં એક કંપની બનાવી અને પછી બોલીવૂડ ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યું.
તેમણે ‘સતયુગ ગોલ્ડ’, ‘સુપર ફાઇટ લીગ’ અને તાજેતરમાં જ ‘બેસિયન હોસ્પિટાલિટી રેસ્ટોરાં ચેઇન’માં પણ રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૫માં બેસ્ટ ડિલ ટીવીના પ્રમોટર બન્યા. તે એક હોમ શોપિંગ ચેનલ હતી, તેના પ્રમોટરમાં જાણીતા અભિનેતા અક્ષય કુમારનો પણ સમાવેશ થતો હતો.
આ ઉપરાંત કુંદ્રાએ ભારતના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ હેઠળ પ્રથમ લાઇવ સ્ટ્રિમિંગ એપ ‘જલદી લાઇવ સ્ટ્રિમ એપ’ શરૂ કરી, જેમાં તેઓ પ્રોફેશનલ અને પ્રમોટર્સનો કોન્ટેન્ટ લાઇવ અથવા નોન-લાઇવ સ્ટ્રિમ કરતા હતા.

રાજ કુંદ્રા અને વિવાદોની લેણાદેણી

રાજ કુંદ્રા કંઇ પહેલી વાર કોઈ વિવાદમાં નથી સપડાયો. આ પૂર્વે તે વર્ષ ૨૦૧૩માં આઈપીએલ-સિક્સ વખતે ક્રિકેટ મેચના સટ્ટાકાંડ મામલે પણ વિવાદમાં ઘેરાયો હતો. એ સમયે દિલ્હી પોલીસે તેની પૂછપરછ કરી હતી, તેમણે કબૂલ્યું પણ હતું કે તેમણે સટ્ટો રમ્યો હતો અને તેમાં મોટી રકમ ગુમાવી હતી. તે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના સહ-માલિક હતો. સમગ્ર પ્રકરણને કારણે સુપ્રીમ કોર્ટે તેમની પર સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો છે. વળી એ જ વર્ષે તેની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો.
હવે રાજની ધરપકડ પોર્નોગ્રાફી કેસ મામલે થઈ છે. તે એક કોલેજ ડ્રોપઆઉટ છે અને શાલના વેપારથી કરોડપતિ બિઝનેસમેન તરીકેની સફર ખેડી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન બાદ તેઓ વધુ ચર્ચામાં રહ્યા છે.

શિલ્પા શેટ્ટી સાથે લગ્ન

વર્ષ ૨૦૦૪માં સક્સેસ સામયિકે તેમને બ્રિટનના સૌથી ધનિક એશિયન મૂળના લોકોની યાદીમાં ૧૯૮મા ક્રમે રાખ્યા હતા. ૨૯ વર્ષનો રાજ એ સમયે આ યાદીમાં સામેલ થનાનો સૌથી યુવાન હતા. તેનાં ત્રણ વર્ષ બાદ એટલે કે ૨૦૦૭માં તે પ્રથમ પત્ની કવિતાથી અલગ થઈ ગયો. ત્યારબાદ તેની મુલાકાત શિલ્પા શેટ્ટી સાથે થઈ, જેઓ 'બિગ બ્રધર ટીવી' શોમાં ભાગ લેવા માટે એ વખતે યુકે આવી હતી. ધીમે ધીમે તેઓ નજીક આવતાં ગયાં.
શિલ્પા અને રાજે નવેમ્બર ૨૦૦૯માં ભારતમાં લગ્ન કર્યાં અને એ જ વર્ષે રાજ કુંદ્રાએ આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સનો ૧૧.૭ ટકા હિસ્સો ખરીદ્યો.
રાજ બે બાળકનો પિતા છે. તેણે ‘શિલ્પા શેટ્ટી ફાઉન્ડેશન’ નામે એક ચેરિટેબલ સંસ્થા પણ સ્થાપી છે.

પોર્ન અને કાયદો
વિશ્વભરમાં પોર્નોગ્રાફી એક મોટો કારોબાર છે. તેમાં યૌનકૃત્યો અને નગ્નતા પર આધારિત તસવીરો, વીડિયો, ટેક્સ્ટ અને ઓડિયો તથા અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આવી સામગ્રીને ઇલેક્ટ્રોનિક રીતે પ્રકાશિત કરવા પર, કોઈકને મોકલવા પર કે કોઈ અન્ય દ્વારા પ્રકાશિત કરવા બદલ એન્ટિ-પોર્નોગ્રાફી કાયદો લાગુ પડે છે. વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ માનવામાં આવતી ‘પોર્નહબ’ અનુસાર ભારત તેનું સૌથી મોટું માર્કેટ બની રહ્યું છે. જોકે વધતી યૌનહિંસા પાછળ કેટલાક નિષ્ણાતો પોર્નને પણ કારણભૂત માને છે.
વર્ષ ૨૦૧૮માં ભારતના દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને ૮૨૭ પોર્ન વેબસાઇટો બ્લોક કરવાનો આદેશ આપ્યો.
આ આદેશ ઉત્તરાખંડ હાઈ કોર્ટના એ નિર્ણય બાદ આપવામાં આવ્યો, જેમાં દેશમાં પોર્ન વેબસાઇટોને બંધ કરવાની વાત કહેવામાં આવી હતી. હાઈ કોર્ટમાં બળાત્કારના એક કેસમાં સુનાવણી દરમિયાન ફરિયાદીએ કહ્યું હતું કે તેણે બળાત્કાર કરતા પહેલાં પોર્ન વીડિયો જોયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter