આલોક શર્માનો ક્વોરેન્ટાઈન વિવાદ

Wednesday 11th August 2021 05:41 EDT
 
 

લંડનઃ ક્લાઈમેટ મિનિસ્ટર આલોક શર્મા ગત ૭ મહિનામાં રેડ લિસ્ટના ૬ દેશ સહિત ૩૦ દેશોનો પ્રવાસ ખેડવા છતાં ક્વોરેન્ટાઈનથી બાકાત રહ્યા હોવાં વિશે વિવાદ સર્જાયો છે. આલોક શર્મા સ્કોટલેન્ડના ગ્લાસગોમાં નવેમ્બરમાં યોજાનારી COP26 ક્લાઈમેટ સમિટના પ્રમુખ છે.

શર્માએ COP26ના પ્રમુખની ભૂમિકામાં ગત સાત મહિનામાં  ઓછામાં ઓછાં ૩૦ દેશનો પ્રવાસ ખેડ્યો છે. તેમણે ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકાયેલા ૬ દેશને પણ પ્રવાસ કર્યો છે. આમ છતાં, તેમને ‘ક્રાઉન સર્વન્ટ્સ’ને અપાતા અપવાદ તરીકે દર વખતે હોટેલ ક્વોરેન્ટાઈનમાંથી રાહત આપવામાં આવી છે. તેમણે એમ્બર લિસ્ટના દેશોના પ્રવાસ પછી ઘરમાં ક્વોરેન્ટાઈન થવાનું પણ ટાળ્યું છે. બીજી તરફ, ટ્રાવેલ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા સામાન્ય પ્રવાસીને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીના દંડનો સામને કરવો પડે છે.

આરોગ્ય સુરક્ષા નિયમો હેઠળ રેડ લિસ્ટના દેશોમાંથી યુકે આવતા રાજદ્વારીઓ, વિદેશી મહેમાનો અને મોટી શિખર પરિષદોમાં ઉપસ્થિત રહેનારાઓને હોટેલ ક્વોરેન્ટાઈનમાંથી બાકાત રખાય છે.

આલોક શર્મા જૂન મહિનાથી યુરોપ, કેરેબિયન અને મિડલ ઈસ્ટ દેશોના પ્રવાસે ગયા હતા અને હાલમાં જ રેડ લિસ્ટમાં મૂકાયેલા બોલિવિયા અને બ્રાઝિલના પ્રવાસેથી પરત આવ્યા છે. એમ કહેવાય છે કે શર્માની પ્રવાસ યાદીના દેશોમાં આવનજાવન આશરે ૨૦૦,૦૦૦ માઈલની થઈ છે. COP26ના પ્રવક્તાએ ક્લાઈમેટ મિનિસ્ટર શર્માએ કુલ કેટલી ફ્લાઇટ્સમાં પ્રવાસ કર્યો છે તે જણાવવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter