જ્હોનસન નથી ઇચ્છતા કે રિશી સુનાક વડાપ્રધાન પદે બિરાજે

રેસમાંથી બહાર થયેલા દાવેદારો પર સુનાકને સમર્થન નહીં આપવા બોરિસનું દબાણ

Wednesday 20th July 2022 06:23 EDT
 
 

લંડન

બ્રિટનનું વડાપ્રધાનપદ ગુમાવનાર બોરિસ જ્હોનસન તેમની વિદાય માટે કારણભૂત બનેલા રિશી સુનાકની વિરુદ્ધમાં ખુલીને સામે આવી રહ્યાં છે. અહેવાલો પ્રમાણે બોરિસ જ્હોનસન વડાપ્રધાનપદની રેસમાંથી બહાર થયેલા દાવેદારોને રિશી સુનાક સિવાયના કોઇપણ દાવેદારને સમર્થન આપવા દબાણ કરી રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે બોરિસ જ્હોનસનની વિદાય માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટની આખી ટીમ રિશી સુનાકને જવાબદાર માને છે અને સુનાકને ધિક્કારે છે. જ્હોનસને ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે તેમના અનુગામી નક્કી થતાની સાથે તેઓ વડા પ્રધાનપદનો ત્યાગ કરી દેશે અને લીડરશિપની રેસમાં રહેલા કોઇપણ દાવેદારને જાહેરમાં સમર્થન આપશે નહીં. જોકે જ્હોનસને પીએમ પદની રેસમાંથી બહાર થયેલા ટોરી સાંસદોને ખાનગીમાં એવી સૂચના આપી છે કે રિશી સુનાક તેમના અનુગામી બનવા જોઇએ નહીં. બોરિસની આ સૂચનાના સાક્ષી એવા એક સૂત્રે જણાવ્યું હતું કે, જ્હોનસન ઇચ્છે છે કે ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ તેમના અનુગામી બને અને આ માટે તેઓ ઘણા આશાવાદી છે.

લિઝ ટ્રસને જ્હોનસનના કેબિનેટના ગાઢ સાથીઓનું સમર્થન જાહેરમાં હાંસલ થઇ ચૂક્યું છે. જેમાં નેડિન ડોરિસ, જેબોબ રીસ-મોગ અને સુએલા બ્રેવરમેનનો સમાવેશ થાય છે. જ્હોનસને એવો પણ સંકેત આપ્યો છે કે જો રિશી સુનાક પરાજિત થતા હોય તો તેઓ મોરડૌન્ટને તેમના અનુગામી થતા જોવાનું પસંદ કરશે.

સૂત્રના જણાવ્યા અનુસાર 10 ડાઉનિંગ સ્ટ્રીટની આખી ટીમ સુનાકને ધિક્કારે છે. તેઓ બોરિસની વિદાય માટે સાજિદ જાવિદને જવાબદાર માનતા નથી. તેમનું માનવું છે કે રિશી સુનાક બોરિસ જ્હોનસનને ઉથલાવવા માટે મહિનાઓથી યોજના બનાવી રહ્યા હતા.

બોરિસ જ્હોનસને એવી પણ ચિંતા વ્યક્ત કરી હોવાનું મનાય છે કે રિશી સુનાક વડા પ્રધાન બનશે તો તે રશિયા અને પુતિન તરફ હળવું વલણ અપનાવી શકે છે. સુનાક રશિયા પર મૂકાયેલા પ્રતિબંધો હળવા કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter