પીએમ પદના દાવેદારોની ટીવી ડિબેટમાં રિશી સુનાક છવાઇ ગયા

લિઝ ટ્રસ અને મોરડૌન્ટના આરોપોને સુનાકે જડબાતોડ જવાબોથી ફગાવ્યા

Wednesday 20th July 2022 06:50 EDT
 
 

લંડન

બ્રિટનના આગામી વડાપ્રધાનપદની રેસમાં સામેલ પાંચ ટોરી સાંસદો વચ્ચે યોજાયેલી આઇટીવી લીડરશિપ ડિબેટમાં પૂર્વ ચાન્સેલર અને ભારતીય મૂળના રિશી સુનાક છવાયેલા રહ્યા હતા. આ ડિબેટ કેમી બેડનોક, પેની મોરડૌન્ટ, રિશી સુનાક, લિઝ ટ્રસ અને ટોમ ટુગેન્ધાત વચ્ચે યોજાઇ હતી. ડિબેટમાં રિશી સુનાકની તેમના પ્રતિસ્પર્ધીઓ લિઝ ટ્રસ, પેની મોરડૌન્ટ વચ્ચે ઉગ્ર ટપાટપી પણ જોવા મળી હતી.

લિઝ ટ્રસે સુનાક પર આરોપ મૂકયો હતો કે સુનાકે તેમના ચાન્સેલર તરીકેના કાર્યકાળમાં કરવેરા વધારીને છેલ્લા 70 વર્ષની ટોચે પહોંચાડી દીધાં હતાં. જવાબમાં સુનાકે ટ્રસ પર અર્થતંત્ર પર વાહિયાત દલીલો કરવાનો આરોપ મૂક્યો હતો. ડિબેટના પ્રારંભે મોંઘવારી અને ભારેખમ કરવેરા છવાયેલા રહ્યાં હતાં. ટ્રસ અને મોરડૌન્ટે નેશનલ ઇન્શ્યુરન્સ વધારવા માટે સુનાકની ટીકા કરી હતી.

જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે સરકારે રોજિંદા ખર્ચ માટે દેવું કરવું જોઇએ નહીં તેવા મારા નિયમને રદ કરવાની મોરડૌન્ટ યોજના બનાવી રહ્યા હતા. સુનાકે જણાવ્યું હતું કે, રોજિંદા ખર્ચ માટે દેશનું દેવુ વધારવું ભયજનક છે. પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બિનની નીતિઓ પણ સફળ થઇ શકી નહોતી.

ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે આરોપ મૂક્યો હતો કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે સુનાક કરવેરા વધારી નાગરિકોના ખિસ્સામાંથી નાણા સેરવી રહ્યા હતા. જવાબમાં સુનાકે લિઝ ટ્રસની નીતિઓને સમાજવાદી નીતિઓ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું કરવેરા ઘટાડવાના ખોટાં વચનો આપવા માગતો નથી. કાંઇ પણ ચૂકવ્યા વિના કાંઇક મેળવવાની અર્થનીતિ કન્ઝર્વેટિવ નથી. તે સમાજવાદ છે,

ટ્રસે ડિબેટમાં જણાવ્યું હતું કે, સુનાકે કરવેરા છેલ્લા 70 વર્ષની ટોચની સપાટી સુધી લાવી દીધાં છે. તેનાથી આર્થિક વૃદ્ધિ થઇ શકવાની નથી. કેબિનેટમાં મારા જેવા લોકોએ વિરોધ કર્યો હોવા છતાં સુનાકે નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારો કર્યો હતો. આ સ્તરે કરવેરા વધારવાથી આર્થિક વૃદ્ધિ રૂંધાઇ જશે. તેના કારણે સરકારની મહેસૂલી આવક અટકી જશે. આપણે દેવા ચૂકવવાની પણ જરૂર છે.

સુનાકે ટ્રસને જવાબ આપતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે અને નાણા પરત ચૂકવવાના પણ છે. ઊઁચા ફુગાવા, મોર્ટગેજ રેટ અને ધોવાઇ ગયેલી બચતોની પણ એક કિંમત હોય છે.

આ ચર્ચામાં કોઇ દાવેદારે એમ કહ્યું નહોતું કે જો તેઓ વડા પ્રધાન બનશે તો પોતાની કેબિનેટમાં બોરિસ જ્હોન્સનને સ્થાન આપશે.

----------------------------------------------

ડિબેટમાં કોણ છવાયેલું રહ્યુ – સરવે

24 ટકા – રિશી સુનાક

19 ટકા – ટોમ ટુગેન્ધાત

17 ટકા – પેની મોરડૌન્ટ

15 ટકા – લિઝ ટ્રસ

12 ટકા – કેમી બેડનોક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter