પીએમ પદની રેસમાં ભારતીય મૂળના દાવેદારોનું એકબીજાને સમર્થન નહીં

રેસમાંથી બહાર થયેલા સુએલા બ્રેવરમેન લિઝ ટ્રસને સમર્થન આપે તેવી સંભાવના, પ્રીતિ પટેલે સુનાકની નિંદા કરતા ડર્ટી ડોઝિયરને વોટ્સએપ ગ્રુપમાં શેયર કર્યું હતું

Wednesday 20th July 2022 06:18 EDT
 
 

લંડન

બ્રિટનના વડા પ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના બ્રિટિશર સાંસદો જ ભારતીય મૂળના દાવેદારને સમર્થન આપી રહ્યાં નથી. શરૂઆતમાં પીએમ પદની દાવેદારીમાં ભારતીય મૂળના 3 સાંસદો રિશી સુનાક, સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલ ઝંપલાવશે તેમ મનાતું હતું પરંતુ પોતાને સમર્થન હાંસલ નહીં થાય તેવું ભાળી ગયેલા પ્રીતિ પટેલે પહેલા જ દાવેદારીમાંથી દૂર ખસી જવાનું પસંદ કર્યું હતું. બીજીતરફ પૂર્વ ચાન્સેલર રિશી સુનાક અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને દાવેદારી નોંધાવી હતી જેમાં બે રાઉન્ડ પૂરા થયા ત્યાં સુધીમાં રિશી સુનાક સૌથી વધુ મત સમર્થન સાથે ટોચ પર રહ્યાં જ્યારે સુએલા બ્રેવરમેન સ્પર્ધામાંથી બહાર થઇ ગયાં હતાં. હવે સવાલ એ છે કે શું પ્રીતિ પટેલ અને સુએલા બ્રેવરમેન ભારતીય મૂળના બ્રિટિશર રિશી સુનાકને વડાપ્રધાનપદ સુધી પહોંચવામાં મદદરૂપ થશે ખરાં?

હાલના સંજોગો જોતાં તો એમ લાગી રહ્યું છે કે ભારતીય મૂળના સુએલા અને પ્રીતિ પટેલ રિશી સુનાકના સમર્થનમાં નથી. એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન બીજા રાઉન્ડના મતદાનમાં બહાર થયા પછી હવે તેઓ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને સમર્થન જાહેર કરે તેવી સંભાવના છે. બ્રેવરમેને ગુરુવારે રાત્રે જણાવ્યું હતું કે તેઓ મોરડૌન્ટને સમર્થન આપવાના નથી. જોકે તેમણે રિશી સુનાકને સમર્થન આપવા અંગે ખુલીને કોઇ સ્પષ્ટતા કરી નથી જ્યારે તેમના નિકટના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ લિઝ ટ્રસને સમર્થન જાહેર કરશે. જો આમ થશે તો બ્રેવરમેનના સમર્થકો લિઝ ટ્રસને સમર્થન આપી શકે છે.

બીજીતરફ પીએમ પદની રેસમાં નહીં જોડાવાનું એલાન કરનાર પ્રીતિ પટેલ બ્રેવરમેનને સમર્થન આપે તેવી અટકળો ચાલી રહી હતી અને તેમની ઓફિસ દ્વારા આ પ્રકારની કોઇ જાહેરાત કરાઇ નહોતી. પરંતુ હવે બ્રેવરમેન રેસમાંથી બહાર થઇ જતાં સ્પષ્ટ બન્યુ છે કે તેમને પ્રીતિ પટેલનું સમર્થન હાંસલ થયું નથી. પ્રીતિ પટેલે સુનાકની વિરુદ્ધમાં પણ પ્રચાર કર્યો હોવાનું કહેવાય છે. તેમના એક સહયોગીએ ટેલિગ્રાફને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રીતિ પટેલે રિશી સુનાકની નિંદા કરતા ડર્ટી ડોઝિયરને ટોરી વોટ્સએપ ગ્રુપમાં શેયર કર્યું હતું. જેમાં રિશી સુનાકને સ્કૂલ બોય અને કરવેરાના મામલામા જુઠ્ઠા ગણાવવામાં આવ્યા હતાં. ડોઝિયરમાં આરોપ મૂકાયો હતો કે સુનાકે કોરોના મહામારી દરમિયાન નાણા વેડફી માર્યા હતા અને કરવેરામાં વધારો નહીં કરવાના કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાનું ઉલ્લંઘન કર્યું હતું. તે ઉપરાંત સુનાકે તેમની પત્નીના નોન ડોમ ટેક્સ સ્ટેટસ અંગે જાહેરમાં જુઠ્ઠાણું ચલાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter