પ્રીતિ પટેલે લોકડાઉન નિયમોના ભંગ સામે પોલીસનો બચાવ કર્યો

Wednesday 13th January 2021 05:13 EST
 
 

લંડનઃ પોલીસ ફોર્સ દ્વારા લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા લોકો સામે ભારે દંડ સહિત કડક કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પોલીસના બચાવમાં આગળ આવ્યાં છે. હોમ સેક્રેટરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં મજબૂત અમલપાલનની જરુર છે.

પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ પોલીસ અધિકારીઓ આપણને સલામત રાખવા અથાક કામગીરી બજાવી રહ્યા છે. તેઓ અપરાધીઓને શેરીઓમાંથી દૂર રાખવા ઉપરાંત, વાઈરસના ફેલાવાને અંકુશમાં રાખવાનું કાર્ય પણ કરી રહ્યા છે. લોકડાઉન નિયમો લોકોનું જીવન બચાવવા માટે છે. ઓફિસરો દેશભરમાં લોકોની સમજાવટ કરશે અને જરુર લાગશે ત્યાં કાર્યવાહી કરતા પણ ખચકાશે નહિ.’

બીજી તરફ, પોલીસ દળે સ્પષ્ટ કર્યું છે કે નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ દ્વારા તેમને કોરોના વાઈરસ નિયમોનું સ્પષ્ટીકરણ કરાયાના પગલે તેઓ ઈંગ્લેન્ડમાં તમામ ફિક્સ્ડ પેનલ્ટી નોટિસની સમીક્ષા કરશે. વેસ્ટ મર્સિઆ પોલીસે શ્રોપશાયરના રહેવાસીઓને જણાવ્યું હતું કે સ્નોબોલ ફાઈટ કરવા ઘરની બહાર નીકળવું તે વાજબી કારણ નથી. ઠંડી ઋતુમાં આવી રમત ૨૦૦ પાઉન્ડનો દંડ નોંતરી શકે છે. ડર્બીશાયર પોલીસે ઘેરથી પાંચ માઈલના અંતરે આવેલા અંતરિયાળ સૌંદર્યધામ અલગ અલગ ચાલવા જનારી બે મહિલાને ૨૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. એક મહિલા હોટ ડ્રિન્ક લાવી હતી તેને પોલીસે કહ્યું હતું કે આની પરવાનગી નથી કારણકે તે પિકનિક ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter