બ્રિટને ભારત પાસેથી ઘણું શીખવાનું છે – સુનાક

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાને સુનાકનું અભિવાદન - નમસ્તે, સલામ, કેમ છો, કિડ્ડા.......સુનાકે ભારતીય સમુદાયને કહ્યું, આપ સબ મેરે પરિવાર હો

Wednesday 24th August 2022 05:20 EDT
 
 

લંડન

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક ઇવેન્ટને સંબોધન કરતાં બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની રેસના અંતિમ બેમાં સ્થાન મેળવનાર ભારતીય મૂળના ટોરી સાંસદ અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન ભારત પાસેથી ઘણું શીખી શકે છે. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધમાં બદલાવની ઇચ્છા વ્યક્ત કરતા સંબોધનના પ્રારંભે સુનાકે ઇવેન્ટમાં હાજર મહાનુભાવો અને લોકોને નમસ્તે, સલામ, કેમ છો અને કિડ્ડા કહી અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને વધુ મોકળાશભર્યા બનાવવા ઇચ્છુ છું જેથી બ્રિટિશ વિદ્યાર્થીઓ અને કંપનીઓને ભારતમાં સરળતાથી પ્રવેશ મળે. નોર્થ લંડનમાં આયોજિત સમારોહમાં હાજર ભારતીય સમુદાયના લોકોને સુનાકે હિન્દીમાં જણાવ્યું હતું કે, આપ સબ મેરે પરિવાર હો. (તમે મારો પરિવાર છો).

સુનાકે જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો કેટલાં મહત્વના છે. ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેના જીવંત સેતૂ તરીકે પ્રતિનિધિત્વ કરે છે. આપણે સર્વ ભારતમાં વસ્તુઓના વેચાણ અને અન્ય કામગીરીની તકોથી સુપેરે પરિચિત છીએ. પરંતુ આપણે તે સંબંધોને અલગ રીતે મૂલવવાની જરૂર છે કારણ કે બ્રિટનમાં રહેતા આપણે ભારત પાસેથી શીખી શકીએ તેવું ઘણું છે. બ્રિટનના વિદ્યાર્થીઓ ભારત જઇને શીખે તે સરળ બનાવવા હું પ્રયાસ કરવા ઇચ્છુ છુ. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો એકમાર્ગી નથી તેથી હું ભારત અને બ્રિટનની કંપનીઓ એકસાથે મળીને કામ કરી શકે તે સરળ બનાવવા માગુ છું.

તેમણે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા ન રાખતા કે તમારા વડાપ્રધાન તરીકે હું તમને, તમારા પરિવાર અને દેશને સુરક્ષિત રાખવા જરૂરી તમામ પગલાં લઇશ કારણ કે કન્ઝર્વેટિવ વડાપ્રધાનની એ પહેલી ફરજ છે. હેરોમાં આવેલા ધામેચા લોહાણા સેન્ટર ખાતે ઢોલ નગારાના બુલંદ અવાજ અને નારાઓ વચ્ચે ગ્રાન્ડ એન્ટ્રી કર્યા બાદ સુનાકે ટૂંકા સંબોધન બાદ સેંકડો ટોરી સભ્યો સાથે કલાકો સુધી સમય વીતાવ્યો હતો. તેમણે આઠ વર્ષના તનિષ સાહુને ગોદમાં ઉઠાવીને તસવીર ખેંચાવી હતી. શ્રીજગન્નાથ સોસાયટી યુકેના ટ્રસ્ટી અમિત મિશ્રાએ તેમને ભારતથી  લવાયેલી દેવી દેવતાઓની ગોલ્ડ પ્લેટેડ પ્રતિમા એનાયત કરી હતી.

ચીન અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી બ્રિટન માટે સૌથી મોટો પડકાર – સુનાક

ચીન પરના એક સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, ચીનની આક્રમકતા સામે બ્રિટનને સુરક્ષિત રાખવા આકરું વલણ અપનાવવું પડશે. ચીન અને તેની કોમ્યુનિસ્ટ પાર્ટી બ્રિટનના અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો પડકાર છે. આપણે તેની સામે જાગૃત થવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter