રાજકારણ છોડીને જ્હોન્સન લાખો પાઉન્ડ કમાશે!

ત્રણ વર્ષ સત્તા પર રહેનારા બોરિસ પાસે ઘણું કહેવા અને લખવાની સામગ્રી હોય તે સ્વાભાવિક છે

Wednesday 27th July 2022 02:46 EDT
 
 

લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી ફરજિયાત રાજીનામું આપ્યા પછી બોરિસ જ્હોન્સન વડા પ્રધાન તરીકેનું વેતન અને સવલતો ગુમાવશે પરંતુ, આરામથી જીવન ચલાવવામાં કોઈ વાંધો આવે તેમ લાગતું નથી. જ્હોન્સન આગામી વર્ષે પ્રવચનો આપવાની ફી અને પુસ્તકોના સોદાઓમાં ઓછામાં ઓછાં 3 મિલિયન પાઉન્ડ મેળવી શકે તેમ છે. અગાઉ જ્હોન્સનના બાયોગ્રાફર એન્ડ્રયુ ગિમસને ચેતવણી આપી હતી કે બધા કરતાં વધુ મેળવવાની ઈચ્છા રાખતા જ્હોન્સન કદાચ ફરીથી નેતાગીરીની સ્પર્ધામાં ઝૂકાવી શકે છે. જોકે, તેમની ચેતવણી સાચી પડી નથી. હવે જ્હોન્સન જર્નાલિઝમ અને જાહેર પ્રવચનો આપવાની લોભામણી કારકીર્દિમાં જઈ શકે છે.

જ્હોન્સન ભલે પોતાને ‘દેવાળિયા’ ગણાવતા હોય પરંતુ, પૂર્વ વડા પ્રધાનોની કારકીર્દિ જોઈએ તો તેમણે જરા પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. સર જ્હોન મેજર હોય કે ટોની બ્લેર હોય, મલ્ટિમિલિયોનર બની ગયા છે. બ્લેરની નેટ વર્થ જ 100 મિલિયન પાઉન્ડ જેટલી હોવાનું કહેવાય છે. જ્હોન્સન માટે પબ્લિક સ્પીકિંગ સર્કિટ ખુલ્લી જ છે. તેઓ વડા પ્રધાન બન્યા તે પહેલા તેમણે જાહેર પ્રવચનોમાંથી વાર્ષિક 450,000 પાઉન્ડની કમાણી કરી હતી. જાહેર પ્રવચનોમાં ઉપસ્થિત મહેમાનો વક્તા સત્તા પર હતા ત્યારે તેમની શું ભૂમિકા હતી તે જ જુએ છે, તેમનો રેકોર્ડ કેવો હતો તે તપાસતા નથી. મોટા અર્થતંત્ર, સિક્યુરિટી કાઉન્સિલના સભ્ય અને ન્યુક્લીઅર પાવર દેશના પૂર્વ નેતાના શબ્દો સાંભળવા જ તેઓ આવે છે. તેમને બ્રેક્ઝિટ, કોવિડ અને યુક્રેન વિશે સાંભળવામાં વધુ રસ હશે જે જ્હોન્સન સંતોષી શકે તેમ છે.

થેરેસા મેએ 2019માં ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યાં પછી પ્રવચનો આપવામાં 2.5 મિલિયન પાઉન્ડની ફી મેળવી હતી. તેમણે સેઉલ અને કોપનહેગન સહિત સમગ્ર વિશ્વમાં ભાષણો આપવા માટે પ્રવાસ ખેડ્યો હતો. ખુદ જ્હોન્સને 2019માં ફોરેન સેક્રેટરીનો હોદ્દો છોડ્યા પછી ભારતમાં પ્રવચન આપવા માટે 122,899.74 પાઉન્ડની કમાણી કરી હતી. આ ઉપરાંત, ધ ડેઈલી ટેલિગ્રાફના કોલમિસ્ટ તરીકે વાર્ષિક 275,000 પાઉન્ડની કમાણી કરી હતી. તેમણે 2015માં શેક્સપિઅરનું જીવનચરિત્ર ‘Shakespeare: The Riddle of Genius’ લખવા માટે હોડર એન્ડ સ્ટાઉટોન પાસેથી પાઉન્ડની આગોતરી રકમ મેળવી હતી. આ આખો સોદો 500,000 પાઉન્ડમાં કરાયો હોવાનું કહેવાય છે. આમ તો બાયોગ્રાફી મૂળ તો 2016માં પ્રસિદ્ધ કરવાની હતી પરંતુ, જ્હોન્સન ફોરેન સેક્રેટરી બનવાથી તેમાં વિલંબ થયો હતો. એમ કહેવાય છે કે કોરોના મહામારીના સમયમાં જ્હોન્સને પુસ્તક લખવા માટે સમય કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકાશક માટે જ્હોન્સને લખેલી વિન્સ્ટન ચર્ચિલની બાયોગ્રાફી ‘The Churchill Factor: How One Man Made History’ બેસ્ટસેલર થઈ હતી.

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને પોતાના સંસ્મરણો લખવા માટે 800,000 પાઉન્ડનો સોદો કર્યો હતો. બ્રિટિશ ઈતિહાસમાં સૌથી અરાજકતાપૂર્ણ ઘટનાઓ સાથેના ત્રણ વર્ષ સત્તા પર રહેનારા બોરિસ પાસે ઘણું કહેવા અને લખવાની સામગ્રી હોય તે સ્વાભાવિક છે અને તેમાંથી લાખો પાઉન્ડની કમાણી કરી શકે તેમ છે. જ્હોન્સન મલ્ટિનેશનલ કંપનીઓના બોર્ડ્સ પર જોડાઈ શકે છે અને તેમના માટે ક્લાયન્ટ્સ અને કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ પણ કરી શકે છે.

દેશના અગ્રણી પબ્લિક રિલેશન્સ નિષ્ણાત માર્ક બોર્કોવસ્કી કહે છે તેમ બોરિસ એક બ્રાન્ડ છે, સેલેબ્રિટી છે અને પરફોર્મર છે. તેમની નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે જ્યાં સુધી તેઓ રાજકારણથી અળગા રહેશે. જ્હોન્સન 2019માં 7210 મતની સરસાઈથી જીત્યા હતા તે અક્સબ્રિજ એન્ડ સાઉથ રુઈસ્લિપ સંસદીય બેઠક પરથી ફરી ચૂંટણી લડશે કે કેમ તે બાબત હજુ સ્પષ્ટ નથી. ડેવિડ કેમરને ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યાના બે મહિના પછી વિટનીના સાંસદ તરીકે જ્યારે ટોની બ્લેરે તત્કાળ સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. જોકે, જ્હોન મેજર અને ગોર્ડન બ્રાઉને અનુક્રમે 1997 અને 2010માં વડા પ્રધાનપદે હાર થયા પછી આગામી ચૂંટણી સુધી સાંસદ તરીકે પદ જાળવી રાખ્યું હતું. દરમિયાન થેરેસા મે હજુ બેકબેન્ચર સાંસદ તરીકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter