રિફોર્મ યુકે કાઉન્સિલરોની હિંસાત્મક, રેસિસ્ટ અને સ્ત્રીદ્વેષી કોમેન્ટ્સથી કટોકટી

Wednesday 21st October 2026 06:31 EDT
 

લંડનઃ રિફોર્મ યુકે પાર્ટીમાં નવી કટોકટી સર્જાઈ છે. પાર્ટીના કાઉન્સિલરો અને ચૂંટણીના ઉમેદવારો દ્વારા હિંસાની ધમકી, સ્ત્રીદ્વેષ અને રેસિસ્ટ મંતવ્યોને ITV ના અંડરકવર પત્રકારે ફિલ્મિંગ કરી લેતા સનસનાટી મચી હતી. પાર્ટીના ત્રણ કાફન્સિલરોએ આ પગલે રાજીનામાં આપી દીધા હતા. ITV ની અંડરકવર તપાસને બુધવારે પ્રસારિત કરી દેવાયા પછી પાર્ટીએ આગવી તપાસ કરાવવાની જાહેરાત કરી હતી.

રિફોર્મ યુકે પાર્ટીના નેતા નાઈજેલ ફરાજે ગુરુવારે એસેક્સમાં કરાનારી મહત્ત્વપૂર્ણ જાહેરાતને પણ મુલતવી રાખી હતી. ITV દ્વારા આગામી દિવસો વધુ રહસ્યો જાહેર કરાવાની શક્યતાને ધ્યાનમાં રાખી પાર્ટીએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ આરંભ્યો હતો. રિફોર્મના સીનિયર રાજકારણીઓ અને યુકેના હેડક્વાર્ટર્સમાં કામ કરતા પદાધિકારીઓનું અંડરકવર ફિલ્મિંગ બહાર આવી શકે છે.

ITV ની એક વર્ષ લાંબી અંડરકવર તપાસની પ્રથમ ક્લિપમાં રિફોર્મ કાઉન્સલર અને સોલિહલના ડેપ્યુટી મેયર એલાન ફીનેને એશિયન મકાનમાલિકોને ‘પેરેસાઈસ્ટ્સ’ કહેતા અને ‘બ્રિટનની નોન-વ્હાઈટ વસ્તી 1 ટકાથી વધુ હોવી ન જોઈએ’ તેમ કહેતા જણાવાયા છે. બ્રોમલીના કાઉન્સિલર કિંગ ચાર્લ્સની હત્યા કરાવી જોઈએ કહેતા સંભળાય છે તેમજ અન્ય એક કાઉન્સિલરે મહિલા સાથીદારો વિશે સેક્સ્યુઅલ અને સ્ત્રીદ્વેષી ટીપ્પણીઓ કરી હતી. બર્મિંગહામ સિટી કાઉન્સિલ અને સોલિહલ મેટ્રોપોલીટન બરો કાઉન્સિલની બેઠકો જીતનારા ફીનેએ અંગત કારણોસર તેમજ કાઉન્સિલર ક્રિસ વ્હીલાને અંગત અને આરોગ્યના કારણોસર રિફોર્મ યુકે પાર્ટી છોડી દીધાની જાહેરાત કરી છે.

નાઈજેલ ફરાજે ગત બે વર્ષમાં રિફોર્મ પાર્ટીમાંથી કટ્ટરવાદીઓ અને અસહિષ્ણુઓને દૂર કરવા અને ચકાસણીઓ કરવા અવારનવાર ખાતરીઓ ઉચ્ચારી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર તેના દ્વારા જે લોકો ઈલેક્શનમાં ઉભા રહેવા ઈચ્છે છે તેમની સખત ચકાસણી કરવામાં આવે જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter