રિશિ સુનાકના પત્ની અક્ષતા મૂર્તિને પ્રતિબંધિત પુતિન શાસનથી લાભ?

Wednesday 30th March 2022 02:25 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક તેમના પત્ની અક્ષતા મૂર્તિના બિલિયોનેર પિતા નારાયણ મૂર્તિની ઈન્ફોસિસ કંપનીના રશિયા સાથે સંબંધો બાબતે વિવાદમાં ફસાયા છે. ચાન્સેલર સુનાકે અક્ષતા મૂર્તિના ઈન્ફોસિસમાં હિસ્સા વિશે કોઈ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. સ્કાય ન્યૂઝના એન્કરે તેમને જણાવ્યું હતું કે સુનાકે રશિયા સામે પ્રતિબંધોની જે સલાહ આપી છે તેનો અમલ તેઓ પોતાના ઘરમાં જ કરી રહ્યા નથી. આ સંદર્ભે સુનાકે કહ્યું હતું કે,‘હું એક ચૂંટાયેલો રાજકારણી છું અને જેના માટે જવાબદાર છું તેના સંદર્ભે હું ટીવી મુલાકાત આપી રહ્યો છું, મારી પત્ની નહિ.’

મલ્ટિનેશનલ બિઝનેસ ટેકનોલોજી જાયન્ટ ઈન્ફોસિસ ભારતસ્થિત કંપની છે અને ભારતે અત્યાર સુધી રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રતિબંધોને અનુસરવા ઈનકાર કર્યો છે. અક્ષતા મૂર્તિ ઈન્ફોસિસમાં 490 મિલિયન પાઉન્ડનો હિસ્સો ધરાવે છે.જોકે, તે ભારતીય કંપની હોવાથી યુકેના પ્રતિબંધો સાથે તેને કશું લાગતુંવળગતું નથી.ઉલ્લેખનીય છે કે અક્ષતા મૂર્તિ પોતાનું ફેશન લેબલ અક્ષતા ડિઝાઈન્સ ચલાવવા સાથે તેમના પિતા દ્વારા 2010માં સ્થાપિત વેન્ચર કેપિટલ ફર્મમાં ડાયરેક્ટર પણ છે.

ઈન્ફોસિસને પુટિનના શાસન સાથે સંબંધોથી લાભ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. એક મુલાકાતમાં સ્કાય ન્યૂઝના ટીવી એન્કરે પ્રશ્ન કર્યો હતો કે ‘તમારા પરિવારના રશિયા સાથે સંબંધ છે. તમારા પત્ની ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસમાં એડવાઈઝર છે જેની વહિવટી અને ડિલિવરી ઓફિસ રશિયાના મોસ્કોમાં પણ છે. તેમના સંબંધ મોસ્કોની આલ્ફા બેન્ક સાથે છે. તમારા પરિવારને પુટિનના શાસન થકી લાભ મળી રહ્યો છે?’ આ પ્રશ્નના ઉત્તરમાં સુનાકે જણાવ્યું હતું કે તમામ કંપનીનું સંચાલન જે તે કંપની પર નિર્ભર હોય છે. મારે એ કંપની સાથે કોઈ લેવાંદેવાં નથી અને મને તેના વિશે જાણકારી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter