લેબર પાર્ટીની ઐતિહાસિક ઓનર્સ સિસ્ટમ નાબૂદ કરવાની યોજના

Wednesday 10th February 2021 05:25 EST
 
 

લંડનઃ લેબર પાર્ટી દ્વારા તૈયાર કરાયેલા આંચકાજનક રિપોર્ટમાં બ્રિટનની ઐતિહાસિક ઓનર્સ સિસ્ટમ નાબૂદ કરવાની યોજના છે. ક્વીન દ્વારા અપાતા નાઈટહૂડ, OBE અને MBE જેવાં ઈલકાબો તેમજ ડ્યૂક્સ, માર્ક્વીસ, અર્લ, વાઈકાઉન્ટ, બેરોન્સ અને અન્ય પદવીઓ નાબૂદ કરવાની દરખાસ્તો છે. આ ઉપરાંત, લશ્કરી દળોને વીરતા માટે અપાતા મેડલ્સ પણ નાબૂદ કરાશે. સાંસદોએ ક્વીનને વફાદાર રહેવાના શપથ પણ લેવા નહિ પડે. શાહી એવોર્ડ્સ કે ઈલકાબોના સ્થાને ‘સિવિક એવોર્ડ્સ’ શરુ કરવાની વાત કરવામાં આવી છે. કન્ઝર્વેટિવ સહાધ્યક્ષ અમાન્ડા મિલિંગે રાષ્ટ્રીય નાયકોને તેમના સન્માનથી અળગાં કરવાની લેબરની યોજના અપમાનજનક ગણાવી હતી.

લેબર પાર્ટીના ‘Remaking Of The British State’ નામના ૨૩૪ પાનાના બંધારણીય સુધારાના રિપોર્ટમાં બ્રિટનની ઐતિહાસિક ઓનર્સ સિસ્ટમ નાબૂદ કરવાની દરખાસ્તો કરવામાં આવી છે. એક સમયે રાજાશાહી નાબૂદ કરવાની તરફેણ કરનારા લેબર પાર્ટીના નેતા ‘સર’ કેર સ્ટાર્મર મતદારોને ફરી જીતી લેવા માટે પક્ષની રાષ્ટ્રવાદી છબી ઘડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ રિપોર્ટ તેમના માટે ભારે ક્ષોભ ઉભો કરી શકે છે. પોતાનું બંધારણીય કમિશન રચવાની તૈયારી કરી રહેલા સર સ્ટાર્મરે પોતાના પક્ષના સાંસદોને કહ્યું છે કે તેઓ પોતાના દેશ માટે ગૌરવ અનુભવે છે તેમ લોકોને સમજાવવા યુનિયન ફ્લેગનો ઉપયોગ કરવો જોઈએ. પક્ષના પોલિસી એડવાઈઝર અને હાલ પાર્ટીના એક્સટર્નલ  ગવર્નન્સ ઓફિસર શોન પેટ્રિક ગ્રિફિન દ્વારા આ રિપોર્ટ મૂળ પૂર્વ નેતા જેરેમી કોર્બીન માટે ઘડાયો હતો. કેટલાક જમણેરીઓ અને કોર્બીનવાદીઓ સહિત વરિષ્ઠ લેબર અગ્રણીઓ આ રિપોર્ટને સમર્થન આપવા સર કેર સ્ટાર્મર પર દબાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેર સ્ટાર્મરને ૨૦૧૪માં નાઈટહૂડ (સર) ઈલકાબ એનાયત કરાયો હતો. લેબર પાર્ટીનો આ રિપોર્ટ લેબર ઉમરાવ બેરોનેસ પૌલીન બ્રાયનની નજર હેઠળ મૂકાયો હતો. જો પાર્ટીની આ ભલામણો સ્વીકારાશે તો વીરતા, બ્રિટિશ જીવનશૈલીમાં યોગદાન બદલ કોઈની કદર કરવામાં નહિ આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter