લોર્ડ ધોળકીઆએ ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો

Tuesday 12th January 2021 13:52 EST
 
 

લંડનઃ લોર્ડ નવનીત ધોળકીઆએ લોકડાઉનના સમયગાળામાં ડોમેસ્ટિક શોષણમાં સંભવિત વધારા સામે ચેતવણી આપવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ બિલને આવકાર્યું હતું. તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં ડોમેસ્ટિક એબ્યુઝ મુદ્દે જાગૃતિ વધારવા માટે તૈયાર કરાયેલા બિલની ચર્ચા દરમિયાન અનુરોધ કર્યો હતો કે ‘બહુસાંસ્કૃતિક સમાજ તરીકે વિવિધ સાંસ્કૃતિક રીતરિવાજો સાથે કોમ્યુનિટીઓમાં ઘરેલું હિંસા સામાન્યપણે જોવા મળે છે. લોકલ ઓથોરિટીઝ અને અન્ય એજન્સીઓ આપણી કોમ્યુનિટીઓના કેટલીક સભ્યોને અસર કરતા ચોક્કસ અને વિશિષ્ટ મુદ્દાઓ અંગે માહિતગાર બની રહે તેની ચોકસાઈ કરવી આવશ્યક છે.’ લોર્ડ ધોળકીઆએ બ્રિટિશ ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

લોર્ડ ધોળકીઆએ ‘આપણા સમાજજીવનમાં ઓનલાઈન સુગમ બનેલા બાળ યૌનશોષણના વરવાં સ્વરુપ’નો પણ ઉલ્લેખ અને નિંદા કરતા જણાવ્યું હતું કે ગેમ્બલિંગ જેવી સમસ્યાઓએ પણ ખરાબ ઘરેલુ શોષણમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘આવી ઘણી ઓછી સમસ્યા જાહેરમાં આવે છે’ અને દુઃખની બાબત તો એ છે કે ‘વ્યક્તિઓ ચૂપ રહીને પીડા સહન કરે છે.’ આ દેશમાં કાનૂની દરજ્જા વિનાના લગ્નો પણ ડોમેસ્ટિક વાયેલન્સના દાયરામાં આવી જાય છે. તેમણે ચેતવણી આપી હતી કે ,‘ ઓથોરિટીઝ આવી બાબતોમાં જાહેર શિક્ષણની જરુરિયાત વિશે જાણકાર રહેવી જોઈએ અને આપણી પ્રોબેશન અને સોશિયલ સર્વિસીસ કોમ્યુનિટીઓમાં આવા રીતરિવાજોને ઓળખવા પૂરતાં અને તાલીમબદ્ધ સ્ટાફ હોય તેની ચોકસાઈ રાખવી જોઈએ.’

લોર્ડ ધોળકીઆએ ‘આપણા પોલીસ ફોર્સીસમાં ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ’ અંગે પણ ચિંતા દર્શાવી કહ્યું હતું કે આપણે કોમ્યુનિટીઓને જે ગુણવત્તાપૂર્ણ સેવા આપીએ તેનાથી જ પ્રજાકીય વિશ્વાસ ઘડાય છે. તેમણે ક્રાઈમ રેકોર્ડિંગના સ્ટેટેસ્ટિક્સનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટર્સ દ્વારા સમીક્ષા હેઠળના ગત ૧૨ મહિનામાં માન્ચેસ્ટર પોલીસ ફોર્સે નોંધાયેલા ૭૭.૭ ટકા કેસીસ ૨૦૧૮ની સરખામણીએ ૧૧.૩ ટકાનો ઘટાડો દર્શાવતા હતા. આ જ પોલીસદળના સ્ટેટેસ્ટિક્સમાં જણાવાયું હતું કે તમામ પાંચ અપરાધમાં એક તેમજ તમામ ૪ હિંસક અપરાધમાંથી એક અપરાધની કદી નોંધણી કરાઈ નથી.  આ બધી બાબતો ડોમેસ્ટિક એબ્યુઝને કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેને અસર કરતી સમસ્યાઓને વધારે છે જે ઘણી ગંભીર ચિંતાની બાબત છે. અપરાધ ઘટ્યો છે તેમ કહેવાય ત્યારે ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સમાં વિશ્વાસ કેવી રીતે મૂકી શકાય?

લોર્ડ ધોળકીઆએ ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સના મુદ્દે ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (CPS) અને પોલીસ કમિશનર્સની ભૂમિકાઓ પરત્વે પણ તીખાં સવાલ ઉઠાવ્યા હતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રોસીક્યૂટ કરવું તે જાહેર હિતમાં છે કે નહિ તેનો નિર્ણય કરવા CPSની રચના કરાઈ હતી. CPS સાથે ચર્ચા કરાય છે કે અપરાધની નોંધ નહિ કરવાનો પોલીસનો એકપક્ષી નિર્ણય રહે છે? તેમણે બળાત્કાર અને હિંસા જેવા ગંભીર અપરાધો માટે પણ ઓછાં પ્રોસીક્યુશન દરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે દેખીતું છે કે આવા કેસીસ એવા તબક્કે પહોંચતા જ નથી જ્યાં કોર્ટ્સ નિર્દોષતા કે ગુનેગારીનો નિર્ણય કરી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતી હકીકત એ છે કે હિંસાનો શિકાર બનેલા લોકોને મોટા ભાગે કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસીસનો લાભ મળતો નથી કારણકે તેમની ફરિયાદો રેકોર્ડ કરાતી નથી. જો આ રીતે જ કામગીરી ચાલતી હોય તો બ્રિટિશ ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સમાં આપણે કેવી રીતે વિશ્વાસ મૂકી શકીએ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter