સડક પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે રિઅર મિરરમાં પણ જોતા રહેજો – જ્હોન્સન

સંસદ છોડતાં પહેલાં બોરિસે કહ્યું, હાસ્તા લા વિસ્તા બેબી...

Wednesday 27th July 2022 06:34 EDT
 
 

લંડન

બ્રિટનના વિદાય થઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોનસને બુધવારે પ્રશ્નાવલિના અંતિમ સેશનમાં સંબોધન કર્યું હતું. આ અંતિમ સેશનમાં તેમણે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર અને ટ્રેઝરી પર કટાક્ષ કરવાની સાથે સાથે તેમના અનુગામીને કેટલીક સલાહો પણ આપી હતી. સંસદમાંથી વિદાય લેતી વખતે જ્હોન્સને જણાવ્યું હતું કે, હાસ્તા લા વિસ્તા બેબી એટલે કે હવે ફરી મળીશું.

જ્હોન્સને તેમના અનુગામીને કરવેરામાં કાપ મૂકવા અને શક્ય હોય ત્યાંથી નિયંત્રણો હટાવવાની સલાહ આપી હતી. તેમણે નાણા મંત્રાલય પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું ટ્રેઝરીને પ્રેમ કરું છું પરંતુ મોટા પ્રોજેક્ટમાં અવરોધ ઊભા કરવાનો તેનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. આવનારા વડા પ્રધાનન સલાહ આપતાં જ્હોન્સને જણાવ્યું હતું કે, સડક પર સામે ધ્યાન કેન્દ્રિત કરજો પરંતુ સાથે સાથે રિઅર મિરર પણ ચેક કરતા રહેજો. આ કોઇ ટ્વિટરની પોસ્ટ નથી પરંતુ જનતાએ મત આપીને આ સ્થાને બેસાડ્યા છે.

ટોરી નેતાની પસંદગીના મતદાનમાં જ્હોન્સનનું નામ સામેલ કરવા સમર્થકોની માગ

બોરિસ જ્હોન્સનને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ટકાવી રાખવા તેમના સમર્થકો હવે ટોરી પાર્ટીમાં યોજાનારા મતદાનને ખોરવી નાખવાની ધમકીઓ આપી રહ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીના અબજોપતિ ડોનર લોર્ડ ક્રુડ્ડાસ બોરિસ જ્હોન્સને વડાપ્રધાનપદે યથાવત રહેવું જોઇએ કે નહીં તે માટેના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે. શનિવારે બોરિસ જ્હોન્સન તેમના પુત્ર વિલ્ફ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી વિદાય લેતા જોવાયા હતા. ટોરી પાર્ટીના 7000 કરતાં વધુ સભ્યોએ પીએમ જ્હોન્સને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવું જોઇએ કે નહીં તે માટે પાર્ટીમાં મતદાન કરાવવાની માગ કરી છે. અન્ય સભ્યો ટોરી નેતાની પસંદગીના મતદાનપત્રોનો નાશ કરવા અથવા તો તેમાં જ્હોન્સનનું નામ લખવાની ધમકી આપી રહ્યાં છે.લોર્ડ ક્રુડ્ડાસે જણાવ્યું હતું કે, સમગ્ર બ્રિટનમાં રિશિ સુનાક અને લિઝ ટ્રસ જ્યારે પોતાની તરફેણમાં મતદાનની માગ માટેની સભાઓ કરશે ત્યારે તેમનો વિરોધ કરાશે. મતદાનના વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકો ગુસ્સામાં છે. તેઓ વિરોધ કરવા ઇચ્છે છે. ટોરી નેતૃત્વ માટે અંતિમ મતદાન યોજાય તે પહેલાં 4000 જેટલા ટોરી કાર્યકરોએ મતદાન બેલેટમાં બોરિસ જ્હોન્સનનું નામ પણ સામેલ કરવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે પોતાના સ્થાપિત હિતોના કારણે ટોરી સાંસદોએ બોરિસ જ્હોન્સનને પીએમ પદેથી હટાવ્યા છે. તાજેતરમાં હાથ ધરાયેલા મેઇલ પ્લસ રીડર્સના સરવેમાં જ્હોન્સનને અન્ય તમામ દાવેદારો કરતાં વધુ મત હાંસલ થયાં હતાં. ટોરી સભ્યોએ ધમકી ઉચ્ચારી છે કે જો જ્હોન્સનનું નામ સામેલ નહીં થાય તો તેઓ અદાલતનો આશ્રય લે

પાર્ટીગેટ મામલે જ્હોન્સનને પેટાચૂંટણીનો સામનો કરવો પડી શકે છે

પાર્ટીગેટ સ્કેન્ડલમાં હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોરવાનો આરોપ પૂરવાર થશે તો બોરિસ જ્હોન્સને પેટાચૂંટણીનો સામનો કરવો પડી શકે છે. પાનખરમાં સંસદની પ્રિવિલેજિસ કમિટી દ્વારા બોરિસ જ્હોન્સનની પૂછપરછ કરાશે કે તેમણે કોરોના કાળમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમામ નિયમોનું પાલન કરાયું હતું તેવું જુઠ્ઠાણુ તેમણે સંસદમાં ચલાવ્યું હતું કે કેમ. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલેએ જણાવ્યું હતું કે, કાયદાકિય સલાહ લીધા પછી કમિટીના તારણોના આધારે બોરિસ જ્હોન્સનને 10 કે તેથી વધુ દિવસ માટે સસ્પેન્ડ કરવા કે નહીં તે અંગેનો નિર્ણય લેવાશે. તેનો અર્થ એ થયો કે જ્હોન્સનને સંસદપદેથી પાછા બોલાવી લેવા કે કેમ તે અંગે તેમના મતવિસ્તાર અક્સબ્રિજ અને સાઉથ રૂઇસ્લિપ વિસ્તારમાં જનમત સંગ્રહ કરાશે. જો 10 ટકા મતદારો પણ જ્હોન્સનની વિરુદ્ધમાં મતદાન કરશે તો તેમને પેટાચૂંટણીનો સામનો કરવો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter