સુનાક અને ટ્રસની બીજી ડિબેટ અવરોધ સર્જાતા રદ

કાર્યક્રમની પ્રેઝન્ટર કેટ મેક્કેન સ્ટેજ પર જ બેભાન થઈને પડી જવાથી પ્રસારણ બંધ કરાયું

Wednesday 27th July 2022 03:08 EDT
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદના સ્પર્ધકો પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે ટોકટીવી પરની ડિબેટ અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી હતી. ડિબેટનું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે જ TalkTV/The Sun કાર્યક્રમની પ્રેઝન્ટર કેટ મેક્કેન સ્ટેજ પર જ બેભાન થઈને પડી જવાથી બાકીની ચર્ચા રદ કરવામાં આવી હતી. મિસ ટ્રસ કોઈ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા ત્યારે અચાનક ધડામ દઈને પ્રેઝન્ટરના પડવાનો અવાજ આવ્યો હતો અને લિઝ ટ્રસ પણ ચિંતામાં આવી ગયાં હતાં. ચેનલે જણાવ્યું હતું કે બધા જ બરાબર છે પરંતુ, ચર્ચા તબીબી કારણોને આગળ ધરી રદ કરાઈ હતી. લિઝ ટ્રસ અને રિશિ સુનાક વચ્ચે આ બીજી ટીવી ચર્ચા હતી.

આ ચર્ચાના કાર્યક્રમને અડધો કલાક જ થયો હતો અને ત્યાં જ પ્રેઝન્ટર કેટ મેક્કેન સ્ટેજ પર જ બેભાન થઈને પડી ગયાં હતાં. પડવાના અવાજથી ટ્રસને પણ આઘાત લાગ્યો હતો અને તેઓ તત્કાળ મિસ મેક્કેન જ્યાં ઉભાં હતાં ત્યાં દોડી ગયાં હતાં. પ્રસારણને તત્કાળ બંધ કરી દેવાયું હતું. દર્શકો સમક્ષ કાર્યક્રમમાં અવરોધ બદલ દિલગીરીનો સંદેશો મૂકાયો હતો અને ટુંક સમયમાં ફરી પ્રસારણ શરૂ કરાશે તેમ જણાવાયું હતું. જોકે, લાંબા સમય પછી તબીબી કારણોસર કાર્યક્રમ આગળ ધપાવી શકાય તેમ નહિ હોવાનું જણાવી ચર્ચા અને પ્રસારણ રદ કરાયું હતું. પ્રેઝન્ટર મેક્કેની તબિયત સારી થવા છતાં તબીબોએ ચર્ચા આળ નહિ વધારવા સલાહ આપી હતી.

ટોરી નેતાપદના બંને સ્પર્ધકોએ અન્ય તારીખે TalkTV પર તેમની ચર્ચા ફરી ચાલુ કરવાની શક્યતા દર્શાવી હતી અને તેમણે કેટ મેક્કેનને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. આ ઘટના પછી પ્રસારણ બંધ થયું ત્યારે પૂર્વ ચાન્સેલર અને ફોરેન સેક્રેટરીએ સ્ટુડિયોમાં ધ સન અખબારના વાચકો સાથે વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ચર્ચામાં અવરોધ સર્જાયો તે પહેલા સુનાક અને ટ્રસે આમનેસામને પ્રહારો નહિ કરવાની સમજૂતી કરી લીધી હતી. પૂર્વ ચાન્સેલરે ચર્ચાની વચમાં જ લિઝ ટ્રસને ટોકવાનું ટાળ્યું હતું. કાર્યક્રમના આરંભ વેળાએ સુનાકે મિસ ટ્રસને તેમના 47મા જન્મદિનની શુભેચ્છા પણ પાઠવી હતી. અગાઉ સોમવારની રાત્રે બીબીસી પરની ચર્ચામાં બંને સ્પર્ધકો ઉગ્ર જણાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter