સુનાકનો નોર્ધર્ન આયર્લેન્ડ સંબંધિત નવી બ્રેક્ઝિટ સમજૂતી મુદ્દે વિજય

યુનિયનિસ્ટ પાર્ટી DUPનો વિરોધઃ 515 વિરુદ્ધ 29 મતથી વેપાર સમજૂતીને બહાલી

Tuesday 28th March 2023 14:50 EDT
 
 

લંડનઃ નોર્ધર્ન આયર્લેન્ડની સૌથી મોટી યુનિયનિસ્ટ પાર્ટી ડેમોક્રેટિકયુનિયનિસ્ટ પાર્ટી (DUP)ના વિરોધ મધ્યે વડા પ્રધાન રિશિ સુનાકે નોર્ધર્ન આયર્લેન્ડ સંબંધિત બ્રેક્ઝિટ સમજૂતી મુદ્દે પાર્લામેન્ટનું સમર્થન હાંસલ કરી લીધું છે. બ્રેક્ઝિટ વાટાઘાટોના નોર્ધર્ન આયર્લેન્ડ સાથે વેપારના સૌથી વિવાદી મુદ્દાનો અંત લાવવામાં સુનાકને સફળતા મળી છે. નોર્ધર્ન આયર્લેન્ડ હવે હાર્ડ બોર્ડર વિના જ બ્રિટન સાથે અને ઈયુના સભ્ય આયર્લેન્ડ સાથે વેપાર કરી શકશે.

વડા પ્રધાન રિશિ સુનાકે ‘સ્ટોરમોન્ટ બ્રેક’ દાખલ કરવામાં ઈયુ સાથે સહમતિ સાધી છે. જેના થકી નોર્ધર્ન આયર્લેન્ડ પાસે કથિત વિન્ડસર ફ્રેમવર્કના ભાગરૂપે કોઈ નવા ઈયુ નિયમોનો સ્વીકારવા કે નહિ તેનો વધુ અંકુશ રહેશે. વિન્ડસર ફ્રેમવર્ક હેઠળની ‘સ્ટોરમોન્ટ બ્રેક’ નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોવિન્સની ધારાસભાના ત્રીજા ભાગના ધારાસભ્યો દ્વારા માગણી કરાય છતાં, બ્રિટનને નોર્ધર્ન આયર્લેન્ડમાં માલસામાનને લાગુ કરાતા નવા ઈયુ કાયદાઓને અમલી થતા અટકાવવામાં સફળતા મળશે. પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈયુ સાથે કરેલા મૂળ કરારને ફગાવી દેવા આપેલી ધમકી છતાં ઓક્ટોબર2022થી સત્તાસ્થાને આવેલા રિશિ સુનાકે નવી સમજૂતી ઘડી કાઢી હતી.

બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે હાર્ડ બોર્ડરના કારણે નોર્ધર્ન આયર્લેન્ડમાં સશસ્ત્ર સંઘર્ષના ત્રણ દાયકાનો અંત લાવતા ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ પર જોખમ સર્જાતું હતું. ઉગ્રવાદી તત્વો સંયુક્ત આયર્લેન્ડની તરફેણ કરી રહ્યા છે જ્યારે લોયલિસ્ટ તત્વો પ્રોવિન્સને યુનાઈટેડ કિંગ્ડમ અને બ્રિટિશ સિક્યોરિટી ફોર્સીસનો હિસ્સો બનાવી રાખવા ઈચ્છે છે.

હાઉસ ઓફ કોમન્સમાં DUP, યુરોપિયન રિસર્ચ ગ્રૂપના કેટલાક સભ્યો ઉપરાંત, સુનાકના બે પુરોગામી વડા પ્રધાનો- લિઝ ટ્રસ અને બોરિસ જ્હોન્સને સમજૂતીની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ઘણા કન્ઝર્વેટિવ સાંસદો ગેરહાજર રહ્યા હતા પરંતુ, વિરોધપક્ષોએ તરફેણમાં મતદાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter