લંડનઃ લોર્ડ મેન્ડલસન સ્કેન્ડલના મુદ્દે લેબર પાર્ટીમાં ઘમસાણ મચ્યું છે તેમજ મોટા ભાગના સાંસદો કેર સ્ટાર્મરથી નારાજ છે અને સ્ટાર્મરને રાજીનામું આપવું પડશે તેવી અફવાઓના માહોલમાં પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર જરા પણ વિચલિત નથી. એક ઈન્ટરવ્યૂમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે ‘હું આગામી ઈલેક્શન જીતીશ.’
પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે સન્ડે ટાઈમ્સમાં પ્રસિદ્ધ મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ પીટર મેન્ડલસન અથવા તેમના રાજીનામાની માગ કરતાં વધુ મોટા મુદ્દાઓ પર ફોકસ ધરાવે છે. બહુમતી લેબર સાંસદો શાંતિપૂર્વક મને ટેકો આપી રહ્યા છે. તેઓ આગામી ઈલેક્શન લડવાની યોજના ધરાવે છે તે પ્રશ્ને સ્ટાર્મરે જણાવ્યું હતું કે,‘ હા. હું માનું છું કે અમે જીતીશું. આગામી જનરલ ઈલેક્શન ભારે મહત્ત્વનું બની રહેશે, જે લેબર વિરુદ્ધ રિફોર્મનું હશે.’
પાર્ટી શિસ્તનું પતન અને તેમના પોતાના ભવિષ્ય વિશે શું માનવું છે તેવા પ્રશ્નના ઉત્તરમાં પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ‘રાજકારણમાં આવી વાતો ચાલતી જ રહે છે. જે લોકો સપોર્ટિવ, વફાદાર અને માત્ર કામ કરવામાં માને છે તેમના તરફથી આ બધું તમને સાંભળવા મળતું નથી. અને પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં આ લોકોની ભારે બહુમતી છે. તેઓ સત્તામાં રહેવા ખુશ છે. તેમણે સત્તામાં આવવા લાંબો સમય રાહ જોયેલી છે.’
સ્ટાર્મર સ્વીકારે છે કે મેન્ડલસનની નિમણૂક ભૂલ હતી જેના પર ધ્યાન અપાવું જોઈતું હતું. આમ છતાં, વેસ્ટમિન્સ્ટરના આ મુદ્દે વળગણથી તેઓ ખુશ નથી. ફોરેન ઓફિસના પરમેનન્ટ સેક્રેટરી સર ઓલી રોબિન્સની હકાલપટ્ટી બાબતે ખેદ હોવા સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ઓલી જબરજસ્ત રેકોર્ડ ધરાવે છે અને તેને તેઓ સ્વીકારે પણ છે પરંતુ, પ્રાઈમ મિનિસ્ટરને કહેવા જેવી વાત ન હોવાની દલીલ સ્વીકારી શકાય તેમ નથી.
સ્ટાર્મર સામે ઘરઆંગણે પેટ્રોલ, ફર્ટિલાઈઝર તેમજ ફૂડની સપ્લાય ચેઈન્સ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન યુદ્ધ, યુકે-યુએસ સંબંધો, દેશની સુરક્ષા અને સલામતીના પ્રશ્નો, પ્રમુખ ટ્રમ્પ સાથે કામ પાર પાડવા સહિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે.


