રાજકીય અસ્થિરતાના કારણે બ્રિટિશ ઉદ્યોગો મુશ્કેલીમાં, રોકાણ અટક્યું: લોર્ડ બિલિમોરિયા

અર્થતંત્રને વેગ આપવો હોય તો સરકારે જાહેર ખર્ચ ઘટાડવો પડશે અને કરવેરાના દરોમાં રાહત આપવી જ પડશે

Tuesday 19th May 2026 12:26 EDT
 
 

લંડન: ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં પ્રવર્તી રહેલી રાજકીય અસ્થિરતાના કારણે યુકેના સ્થાનિક ઉદ્યોગો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને વૈશ્વિક રોકાણકારો દેશમાં નવું મૂડીરોકાણ કરતા અચકાઈ રહ્યા છે,

લોર્ડ બિલિમોરિયાએ વડાપ્રધાન સ્ટાર્મરની વર્તમાન સ્થિતિ અને રાજકીય ઉથલપાથલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે તમે દેશમાં કરવેરાનો દર છેલ્લા 80 વર્ષની સર્વોચ્ચ સપાટીએ લઈ જાઓ ત્યારે આર્થિક વિકાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? બ્રિટન પાસે વૈશ્વિક મૂડી આકર્ષવા માટે જરૂરી તમામ સાનુકૂળતાઓ ઉપલબ્ધ છે પરંતુ માત્ર રાજકીય સ્થિરતાના મોરચે દેશ નબળો સાબિત થઈ રહ્યો છે.

સરકાર પર નિશાન સાધતા લોર્ડ બિલિમોરિયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જે સરકારે પ્રચંડ બહુમતી સાથે સત્તા મેળવી હતી તે આજે આંતરિક વિખવાદો અને કૌભાંડોમાં ઘેરાયેલી છે.

વર્તમાન આર્થિક ચિત્ર રજૂ કરતા લોર્ડ બિલિમોરિયાએ ચેતવણી આપી હતી કે, સમગ્ર યુરોપમાં બ્રિટન સૌથી મોંઘી વીજળી અને ઉર્જા દરોનો સામનો કરી રહ્યો છે. આ તમામ પરિબળો ઉદ્યોગો, ખાસ કરીને હોસ્પિટાલિટી સેક્ટર માટે અત્યંત પડકારજનક સ્થિતિ ઊભી કરી રહ્યા છે. જો અર્થતંત્રને વેગ આપવો હોય તો સરકારે જાહેર ખર્ચ ઘટાડવો પડશે અને કરવેરાના દરોમાં રાહત આપવી જ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter