લંડનઃ લેબર પાર્ટીના પગલે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ બળવો થયો છે અને ત્રણ મહિલા સાંસદ- ડો. સારાહ વોલાસ્ટન, અન્ના સોબ્રી અને હેઈડી એલન પક્ષ છોડી નવા રચાયેલા ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપ સાથે જોડાઈ ગયાં છે. ઈયુમાં રહેવાના મજબૂત સમર્થક આ ત્રણ ટોરી સાંસદ થેરેસા મેની બ્રેક્ઝિટ નીતિથી ભારે નારાજ હતાં. ટોરી અને લેબર પાર્ટીના થઈ અન્ય ૨૦ વધુ સાંસદ તેમના પક્ષ છોડી ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપ સાથે જોડાય તેવી શક્યતા વધી છે. લેબર પાર્ટીના ‘ગેન્ગ ઓફ સેવન’ સાત સાંસદોએ પક્ષના નેતા જેરેમી કોર્બીનની બ્રેક્ઝિટ નીતિ અને પક્ષમાં વધતા યહુદીવિરોધવાદના કારણે ૧૧ ફેબ્રુઆરીએ પક્ષ છોડ્યો હતો. આ પછી વધુ એક સાંસદે લેબર પાર્ટી છોડી હતી. બ્રિટિશ રાજકારણના ઈતિહાસમાં ૧૯૮૧ પછી આ સૌથી મોટું ભંગાણ છે, જે પાર્ટી સિસ્ટમના સંપૂર્ણ ધ્રૂવીકરણને આગળ વધારી શકે તેમ છે.
હવે ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપની તાકાત કુલ ૧૧ સાંસદની થઈ છે ત્યારે ગ્રૂપે દાવો કર્યો છે કે તમામ પક્ષોમાંથી નોંધપાત્ર સંખ્યામાં સાંસદો તેમના જૂથ સાથે જોડાવા તૈયાર છે. ટોરી પાર્ટીના ત્રણ મહિલા સાંસદ-સારાહ વોલાસ્ટન, અન્ના સોબ્રી અને હેઈડી એલન નવા ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપ સાથે જોડાઈ જતાં હવે કોના રાજીનામાં આવશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. લેબર પાર્ટીના ઓવેન સ્મિથ અને ટોરી પાર્ટીના જસ્ટિન ગ્રીનિંગ સહિતના નામો ચર્ચામાં છે. ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપના સૂત્રધાર ચુકા ઉમુન્નાએ જણાવ્યું હતું કે આ જૂથ ગણતરીના મહિનાઓમાં સંપૂર્ણ રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે.
દરમિયાન, બ્રસેલ્સમાં વડા પ્રધાન થેરેસા મેએ તેમની પાર્ટીના ત્રણ સભ્યોએ લીધેલાં નિર્ણયને દુઃખદ ગણાવ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે યુરોપિયન યુનિયન સાથે યુકેના સંબંધો મુદ્દે તેમના પક્ષ અને દેશમાં પણ અસંમતિનું વાતાવરણ હતું. ૪૦ વર્ષ પછી ઈયુ છોડવાનું સરળ નહિ જ હોય. ત્રણ સાંસદના અને વધુ સંભવિત રાજીનામાંના પરિણામે કોમન્સમાં બ્રેક્ઝિટ સમજૂતી પસાર કરાવવાનું વડા પ્રધાન માટે વધુ મુશ્કેલ બનશે. બીજી તરફ, પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરને પણ ત્રણ ટોરી સાંસદોનાં રાજીનામાં મુદ્દે અસંમતિ દર્શાવી હતી.
રાજીનામું આપનારાં મહિલા ટોરી સાંસદોએ થેરેસા મેની નેતાગીરી હેઠળ પક્ષ ERG અને DUPના સકંજામાં આવી ગયો હોવાનું કહી સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે ટોરી પાર્ટીમાં રહી શકે તેમ નથી. આ સાંસદોએ મિનિસ્ટર્સને સરકાર છોડી ‘નો ડીલ’ બ્રેક્ઝિટની અરાજકતા અટકાવવા તેમની સાથે જોડાઈ જવાનો પણ અનુરોધ કર્યો હતો.


