લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય રાજગાદીનો ત્યાગ કરવાની ગુપ્ત યોજના પર કામ કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. કિંગ ચાર્લ્સ તેમના પુત્ર પ્રિન્સ હેરીથી તે અંગેની માહિતી છૂપાવવાની ઇચ્છા રાખે છે. તાજેતરમાં કેન્સરનું નિદાન થયા બાદ કિંગ ચાર્લ્સ રાજગાદીના ત્યાગ માટે યોજના બનાવી રહ્યાં હોવાનું રાજવી બાબતોના નિષ્ણાત ટોમ ક્વીને જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે રાજગાદીના ત્યાગની યોજના અત્યંત ગુપ્ત રાખવામાં આવી રહી છે અને પ્રિન્સ હેરી તેનો હિસ્સો નહીં હોય.
ટોમે જણાવ્યું હતું કે, રાજગાદીના નવા દાવેદારના કેન્દ્રમાં પ્રિન્સ વિલિયમ છે. રાજવી પરિવારમાં કોઇને પ્રિન્સ હેરી પર વિશ્વાસ નથી. કિંગ ચાર્લ્સ એ પણ જાણે છે કે રાજગાદીના વારસ અંગેની ગુપ્ત યોજનામાં પ્રિન્સ વિલિયમ કેન્દ્ર સ્થાને છે. અધિકારીઓની ધારણા હતી કે કિંગ ચાર્લ્સ રાજગાદીના વારસની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તંદુરસ્ત હશે પરંતુ તેનો પ્રારંભ અત્યારથી કરી દેવાયો છે તેનો અર્થ એ થયો કે કિંગ ચાર્લ્સનું કેન્સર ધાર્યા કરતાં વધુ ખતરનાક અને ભયજનક છે.
પ્રિન્સ હેરી જ્યારે પણ યુકેની મુલાકાત લે ત્યારે તેમને અગાઉ અપાતી સુરક્ષામાં ઘટાડો કરવાના યુકે સરકારને હાઇકોર્ટમાં આપેલા પડકારમાં પ્રિન્સ હેરીની પીછેહટ થઇ છે. પ્રિન્સ હેરીને રાજવી પરિવારના વર્કિંગ મેમ્બરપદેથી હટાવી દેવાયા બાદ સરકારની રાજવી પરિવારની સુરક્ષા અંગેના નિર્ણય કરતી કમિટીએ ફેબ્રુઆરી 2020માં પ્રિન્સ હેરીને અપાતી સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રિન્સ હેરીના વકીલોએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે પ્રિન્સ હેરી સામે લેવાયેલાં પગલાં ગેરકાયદેસર અને અન્યાયી છે. તેનાથી યુકેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. જોકે સરકારે વળતી દલીલમાં જણાવ્યું હતું કે, કમિટીએ પ્રિન્સ હેરીની સુરક્ષા સંપુર્ણપણે હટાવી દેવાનો નિર્ણય કર્યો નથી. કમિટીએ ફક્ત સુરક્ષામાં ઘટાડો કર્યો છે કારણે કે તેમને અગાઉના દરજ્જા પ્રમાણે સુરક્ષા આપી શકાય નહીં.


