લંડનઃ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8મી જાન્યુઆરીના રોજ બ્રિટનની 3 દિવસની મુલાકાત અંતર્ગત લંડન પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપાઇ સરકારના સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ પછી પહેલીવાર એટલે કે 22 વર્ષ બાદ કોઇ ભારતીય સંરક્ષણ પ્રધાન બ્રિટનની મુલાકાત લઇ રહ્યા છે. આ મુલાકાત દર્શાવે છે કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો ઝડપથી મજબૂત બની રહ્યાં છે. રાજનાથ સિંહ સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયાં છે. આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ ગ્રાન્ટ શેપ્સ સહિતના અગ્રણી નેતાઓ સાથે બેઠકો યોજશે. તે ઉપરાંત તેઓ લંડનમાં મહાત્મા ગાંધી અને ડો. બી આર આંબેડકર મેમોરિયલ્સની પણ મુલાકાત લેશે.
રાજનાથ સિંહની આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે મહત્વના કરાર પર ચર્ચા થશે જે અંતર્ગત બંને દેશ એકબીજાના બંદરો અને એરબેઝનો ઉપયોગ કરી શકશે. તે ઉપરાંત બંને દેશ સંયુક્ત રીતે એરક્રાફ્ટ એન્જિન વિકસાવવા માટેના કરાર પર પણ ચર્ચા કરશે.


