રાજય નાયક સ્ટડી ગ્રૂપના નવા CCO તરીકે નિયુક્ત

Tuesday 26th February 2019 03:35 EST
 
 

લંડનઃ ધ ઓપન યુનિવર્સિટીના પૂર્વ ડાયરેક્ટર રાજય નાયકને સ્ટડી ગ્રૂપ ખાતે ચીફ કોમર્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. નાયક કીપાથ એજ્યુકેશનના સીઈઓ હતા ત્યારે તેમની નેતાગીરી હેઠળ યુનિવર્સિટી ઓફ એક્સટર, એસ્ટોન યુનિવર્સિટી તેમજ અન્ય પ્રતિષ્ઠિત શિક્ષણસંસ્થાઓ વતી કંપનીનાં ઓનલાઈન ડીગ્રી પ્રોગ્રામ્સનું ઝડપી વિસ્તરણ જોવાં મળ્યું હતું.

સ્ટડી ગ્રૂપ ઈન્ટરનેશનલ એજ્યુકેશનનું અગ્રણી પ્રોવાઈડર છે. સંસ્થા સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓને આવશ્યક અભ્યાસ અને ભાષાકીય કૌશલ્ય વિકસાવવામાં મદદ કરી ડીગ્રી લેવલમાં સફળ બનવા સક્ષમ બનાવે છે. ગયા વર્ષે ૧૫૦ દેશના ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓએ જીવન બદલી નાખતા શૈક્ષણિક અનુભવો હાંસલ કરવા સ્ટડી ગ્રૂપની પસંદગી કરી હતી.

આ અગાઉ, રાજય નાયકે પાંચ વર્ષ સુધી ધ ઓપન યુનિવર્સિટીના તમામ બાહ્ય કાર્યોની નેતાગીરી સંભાળી હતી અને તેઓ FutureLearn MOOCના નોંધપાત્ર શિલ્પી બની રહ્યા હતા. તેઓ લોર્ડ બ્રાઉનીની અધ્યક્ષતા હેઠળ યુકે હાયર એજ્યુકેશનની નોંધપાત્ર સમીક્ષા કરનારા પાંચ સભ્યોમાં એક હતા.

સ્ટડી ગ્રૂપના સીઈઓ એમા લેન્કેસ્ટરે જણાવ્યું હતું કે,‘રાજય નાયકને ટીમમાં આવકારતા અમને ખુશી છે. તેઓ અમારી ગ્લોબલ એક્ઝિક્યુટિવ ટીમમાં તાજા પરિપ્રેક્ષ્ય અને અમૂલ્ય કૌશલ્ય લઈને આવ્યા છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘રાજય અમારા નવા પ્રોડક્ટ વિકાસને આગળ લઈ જવા વિશેષ લાયકાત ધરાવે છે. અમે નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ અને આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીના શ્રેષ્ઠ અનુભવને શક્ય બનાવવાની ચોકસાઈ માટે નવીનતા લાવવાની અપેક્ષા રાખીએ છીએ.’

નાયકે જણાવ્યું હતું કે,‘યુનિવર્સિટીઓ શિક્ષણ આપવાના નવા પ્રકારો તરફ સતત નજર નાખી રહી છે અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો આને ઓળખે તેમજ માગને સંતોષે તેવી અપેક્ષા રાખે છે. આથી, હું સ્ટડી ગ્રૂપમાં જોડાવાને વિશેષ રોમાંચિત છું કારણકે તે આગામી વર્ષોમાં વૈશ્વિક શિક્ષણ પર પોતાની અસર વધારવા તૈયાર છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter