લંડનઃ લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ એવા ભારતીય મૂળના રાજેશ અગ્રવાલની આગામી સંસદની ચૂંટણી માટે લેસ્ટર ઇસ્ટની બેઠકના લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી કરાઇ છે. બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે 18 નવેમ્બરના રોજ લેબર સભ્યોની બેઠકમાં અગ્રવાલની યુકેમાં સૌથી વધુ દક્ષિણ એશિયનોની વસતી ધરાવતી સંસદીય બેઠક માટે પસંદગી કરાઇ હતી.
પોતાની પસંદગી બાદ અગ્રવાલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, લેસ્ટર ઇસ્ટમાં રહીને ત્યાંની જનતાની અપેક્ષાઓ પૂરી કરી શકે તેવા લેબર સાંસદ દ્વારા વિસ્તારના વિકાસની મહત્વની ક્ષણ આવી પહોંચી છે. આપણે સાથે મળીને બ્રિટનના ભવિષ્યને પાછું લાવીશું.
તેમણે જણાવ્યું હતું કે, લેસ્ટર ઇસ્ટને બિઝનેસ તરફી, કામદાર તરફી, રોકાણને આકર્ષનાર, પ્રાદેશિક, સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક મતભેદો દૂર કરનાર મારા જેવા સાંસદની જરૂર છે. લંડનના ડેપ્યુટી મેયર તરીકે મેં સેંકડો મિલિયન પાઉન્ડનું આંતરરાષ્ટ્રીય રોકાણ મેળવ્યું છે અને લાખો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. હું લેસ્ટર ઇસ્ટમાં પણ આવી જ સફળતા ઇચ્છું છું.


