લંડનઃ અસાયલમ સુધારા અંતર્ગત જે પરિવારોના રાજ્યાશ્રયના દાવા નકારી કઢાયાં છે તેમને દેશનિકાલ કરાશે. જો તેઓ સરકારી સહાય સ્વીકારીને સ્વેચ્છાએ તેમના દેશમાં પરત ફરવાનો ઇનકાર કરશે તો તેમને બળપુર્વક દેશનિકાલ કરાશે તેમ હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું.
શબાના માહમૂદે દાવો કર્યો હતો કે જેમના રાજ્યાશ્રયના દાવા નકારી કઢાયાં છે તેવા પરિવારોને દેશનિકાલ કરવામાં સરકાર જરૂરી કડકાઇ દર્શાવવામાં નિષ્ફળ રહી છે. જે પરિવારના રાજ્યાશ્રયના દાવા નકારી કાઢવામાં આવ્યા છે તેવા 18 વર્ષથી નાના બાળકો સાથેના પરિવારોને અપાતી આર્થિક સહાય પણ બંધ કરી દેવાશે. સરકારના દસ્તાવેજ અનુસાર રાજ્યાશ્રય નકારી કઢાયો હોય તેવા પરિવારો દેશમાં વસવાટ કરી રહ્યાં છે અને મફત રહેઠાણ અને અન્ય આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યાં છે.
સરકારે જણાવ્યું છે કે સ્વદેશ પરત ફરવા માટે સરકાર તમામ પરિવારોને આર્થિક સહાયની ઓફર આપશે.જો તેઓ આ સહાય સ્વીકારીને સ્વદેશ પરત ફરવાનો ઇનકાર કરશે તો તેમને બળપુર્વક દેશનિકાલ કરાશે. સરકાર બાળકો સહિત પરિવારોને દેશનિકાલ કરવાની પ્રક્રિયામાં આગળ વધશે. સરકારે જણાવ્યું છે કે અમે વર્ષ 2016ના ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત જેમની પાસે યુકેમાં રહેવાનું વ્યાજબી કારણ નથી તેમને અપાતી સહાય અટકાવી દઇશું. હાલમાં સરકાર સ્વેચ્છાએ પોતાના દેશમાં પરત ફરવા રાજી થનારા વિદેશીઓને 3000 પાઉન્ડની સહાય આપે છે.


