રાજ્યાશ્રય માટે માઇગ્રન્ટ્સને જુઠ્ઠાણાના પાઠ ભણાવતા વકીલોને આજીવન કેદની સજાનો પ્રસ્તાવ

ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકના પ્રસ્તાવ સામે લો સોસાયટી આકરા પાણીએ

Tuesday 12th September 2023 12:14 EDT
 
 

લંડનઃ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવામાં માઇગ્રન્ટ્સની મદદ કરનારા વકીલો સામેની સજામાં આકરો વધારો કરાશે. વિવિધ જુઠ્ઠા બહાનાઓ દ્વારા દેશમાં કેવી રીતે રહેવું તે અંગે માઇગ્રન્ટ્સને પાઠ ભણાવતા વકીલોને આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે. જોકે સરકારના આ પ્રસ્તાવ માટે ઇમિગ્રેશન મિનિસ્ટરની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

તેનો અર્થ એ થયો કે યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં સહાય કરનારા વકીલોને ફ્રોડ કરનારા, ભયજનક ડ્રાઇવિંગ દ્વારા કોઇનું મોત નિપજાવનારા અથવા તો બાળકનું જાતીય શોષણ કરનારા દોષી કરતાં પણ વધુ સજા થઇ શકે છે. થોડા સમય પહેલાં એક અખબાર દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો કરાયો હતો કે કેવી રીતે વકીલો માઇગ્રન્ટ્સને જુઠ્ઠાણા દ્વારા દેશમાં રહેવાની સલાહો આપી રહ્યાં છે.

ઓગસ્ટ માસમાં જસ્ટિસ અને હોમ મિનિસ્ટ્રીએ સંયુક્ત રીતે આ પ્રકારના વકીલો સામે કાર્યવાહી કરવા માટે સંયુક્ત રીતે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જોકે લો સોસાયટીએ ટાસ્ક ફોર્સની રચનાનો આકરો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકાર રાજ્યાશ્રયના પડતર દાવાઓ અંગે થઇ રહેલી ટીકાઓથી બચવા માટે આ પ્રયાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter