લંડનઃ સરકાર રાજ્યાશ્રય મેળવનાર વ્યક્તિના પરિવારજનોને યુકેમાં લાવવા સંબંધિત નિયમો વધુ આકરા બનાવવાની તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી ય્વેટ કૂપર ટૂંકસમયમાં નવા નિયમોની જાહેરાત કરશે. સમર વેકેશન બાદ હાઉસ ઓફ કોમન્સમાં પરત ફરેલા સાંસદોને સંબોધન કરતાં કૂપરે જણાવ્યું હતું કે, અમે રાજ્યાશ્રય પ્રાપ્ત કરનારાના પરિવારજનોને યુકેમાં લાવવા માટેના નિયમો વધુ આકરા બનાવીશું. જેમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન, આવક મર્યાદા જેવી બાબતો પર ભાર મૂકાશે. સરકાર ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સ માટે હોટેલોનો ઉપયોગ બંધ કરશે તેવો સંકેત પણ હોમ સેક્રેટરીએ આપ્યો હતો.
જ્યારે કોઇ વિદેશી નાગરિકને યુકેમાં રાજ્યાશ્રય અપાય છે ત્યારે તે તેના પરિવારને યુકેમાં લાવવા અરજી કરી શકે છે. કૂપરનું માનવું છે કે સમગ્ર યુરોપમાં નીતિઓ બદલાઇ રહી છે ત્યારે યુકે પણ નિયંત્રણો લાદી શકે છે.


