લંડનઃ આલ્બેનિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કેર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે યુકેમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ માઇગ્રન્ટ્સને વિદેશોમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલી આપવા પર મંત્રણાનો પ્રારંભ કરાયો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, એકવાર માઇગ્રન્ટની તમામ અપીલ નકારી કઢાય પછી તેને વિદેશો સ્થિત ડિટેન્શન સેન્ટરમાં મોકલી આપવા સરકાર ઇચ્છે છે. આ પગલાના કારણે ગેરકાયદેસર માઇગ્રેશન સામે કામ લેવામાં બ્રિટનને મદદ મળી રહેશે.
જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કયા દેશો સાથે મંત્રણા શરૂ કરાઇ છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી પરંતુ પશ્ચિમ બાલ્કન દેશો એવા આલ્બેનિયા, સર્બિયા, બોસ્નિયા અને નોર્થ મેસિડોનિયા સાથે સંભવિત કરારો થઇ શકે છે જેમાં બ્રિટને કેટલા નાણા ચૂકવવાના રહેશે તે અંગે પણ ચર્ચા કરાશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, હવે અમે રિટર્ન હબ્સ પર ચર્ચાઓ કરવા માગીએ છીએ. જે લોકો યુકેમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયાં છે તેમને પરત મોકલવા અમે અસરકારક કામગીરી કરીશું.
સ્ટાર્મરની યોજના અમારી રવાન્ડા યોજના કરતાં નબળીઃ કેમી બેડનોક
યુકેમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ માઇગ્રન્ટ્સને અન્ય દેશા રિટર્ન હબ્સમાં મોકલી આપવાની સ્ટાર્મરની યોજનાની ટીકા કરતા કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે જણાવ્યું હતું કે તેમની યોજના અમારી સરકારની રવાન્ડા યોજના કરતાં નબળી છે. આ યોજનાથી નાની હોડીઓમાં ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવી શકાશે નહીં.