લંડનઃ અસાયલમ અરજી નકારી કઢાઇ હોય તેવા માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરતાં પહેલાં અગાઉથી નોટિસ આપવી ફરજિયાત રહેશે નહીં. સરકાર હવે આ માટે કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. હાલના નિયમ મુજબ, આવા લોકોને પાંચ કામકાજના દિવસોની નોટિસ આપવામાં આવે છે, પરંતુ સરકારનું માનવું છે કે આ સમયગાળાનો ઉપયોગ કરીને લોકો છેલ્લી ઘડીએ અપીલ કરે છે, જેના કારણે દેશનિકાલની પ્રક્રિયામાં વિલંબ થાય છે. હોમ સેક્રેટરી શબાના માહમૂદ સંસદમાં હાલમાં ચાલી રહેલા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલ'માં સુધારો કરીને આ ફેરફાર લાગુ કરશે.
નવા નિયમો મુજબ, એકવાર રાજ્યાશ્રયનો દાવો ફગાવી દેવાયા બાદ હોમ ઓફિસ પાસે અરજદારને કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના દેશમાંથી બહાર કાઢવા માટે છ મહિનાનો સમય રહેશે. આ સુધારાથી એવા લોકો માટે નોટિસ આપવાની જરૂરિયાત સમાપ્ત થઈ જશે જેમણે રાજ્યાશ્રય માટેની અપીલના તમામ કાયદાકીય વિકલ્પો પૂરા કરી લીધા છે.

