લંડનઃ અસાયલમ અરજીઓને મંજૂર કરવા હજારો પાઉન્ડની લાંચ લેનારા હોમ ઓફિસના જુનિયર કર્મચારીને જેલની સજા કરાઇ છે. બ્લેકબર્ન સ્થિત ઇમરાન મુલ્લા માન્ચેસ્ટર સ્થિત હોમ ઓફિસની અસાયલમ ટીમમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેની કામગીરીમાં ડિજિટલ કેસલોડ મેનેજ કરવા, રાજ્યાશ્રયવાંચ્છુઓના ઇન્ટર્વ્યુ લેવા અને તેમની અરજીઓ પર વિચારણા કરવાનો સમાવેશ થતો હતો.
2024માં તૂર્કીના એક રાજ્યાશ્રયવાંચ્છુએ હોમ ઓફિસને ફરિયાદ કરી હતી કે તેની અરજી મંજૂર કરવા માટે મુલ્લા દ્વારા 2000 પાઉન્ડની લાંચ માગવામાં આવી છે. ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું હતું કે, મુલ્લાએ બાંગ્લાદેશના નુરલ અમીન બેગ પાસેથી પણ લાંચ લીધી હતી.
મુલ્લાએ ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશનના કાવતરાનો આરોપ કબૂલી લીધો હતો. ગયા સપ્તાહમાં પ્રેસ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા તેને સાડા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. તે ઉપરાંત લાંચના કેસમાં તેને 18 મહિનાની જેલ કરાઇ છે.