લંડનઃ સ્થાનિક ચૂંટણીઓમાં કારમા પરાજય બાદ લેબર સરકાર હવે માઇગ્રેશનના આંકડા ઘટાડવા યુકેમાં રાજ્યાશ્રય માટે અરજી કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર ત્રાટકવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા ઇમિગ્રેશન પર વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવી રહ્યું છે જે મધ્ય મેમાં જાહેર કરાય તેવી સંભાવના છે. તેમાં રાજ્યાશ્રયનો દાવો કરનારા સ્ટુડન્ટ વિઝાધારકોની સંખ્યા ઘટાડવાના પગલાંનો સમાવેશ થશે.
લેબર સરકાર લીગલ માઇગ્રેશનમાં ઘટાડો કરવાના પ્રસ્તાવોને અંતિમ સ્વરૂપ આપી રહી છે. હોમ ઓફિસના આંકડા અનુસાર 2024માં 1,08,000 વિદેશીઓએ યુકેમાં રાજ્યાશ્રય માટે દાવો કર્યો હતો જેમાંથી 16000 દાવેદાર સ્ટુડન્ટ વિઝાધારકો હતાં.
હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, આંકડા દર્શાવે છે કે યુકેમાં આવવા માટે અરજી કરતી વખતે પોતે નાણાકીય સદ્ધર હોવાનો દાવો કરતા લોકો વિઝા પૂરો થવાનો હોય ત્યારે રાજ્યાશ્રયનો દાવો કરી દેતાં હોય છે.
પાકિસ્તાન સહિતના દેશોના નાગરિકોની વિઝા અરજીઓ નિયંત્રિત કરાશે
યુકે સરકાર દેશમાં વિઝાની અવધિ કરતાં વધુ સમય રહેવા અને રાજ્યાશ્રયના સૌથી વધુ દાવા કરતા વિદેશી નાગરિકોની વિઝા અરજીઓ નિયંત્રિત કરવા યોજના બનાવી રહી છે. વર્ક અને સ્ટડી વિઝા માટેની જેમની અરજીઓ નિયંત્રિત કરાશે તેમાં પાકિસ્તાની, નાઇજિરિયન અને શ્રીલંકનોનો સમાવેશ થાય છે.