રાજ્યાશ્રયનો દાવો નકારી કઢાતાની સાથે જ દેશનિકાલ કરવાની તૈયારી

નિષ્ફળ માઇગ્રન્ટ્સને અપીલ કરવાની પણ તક નહીં અપાય

Tuesday 24th March 2026 11:37 EDT
 
 

લંડનઃ દેશનિકાલ અટકાવવા માટે અપીલ કરવા માનવ અધિકાર કાયદાઓનો ઉપયોગ કરે તે પહેલાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા હજારો માઇગ્રન્ટ્સ અને વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરી દેવાશે. હોમ સેક્રેટરી શબાના માહમૂદ આ માટે સર ટોની બ્લેરની સરકાર દ્વારા ઘડાયેલા કાયદાનો ઉપયોગ કરશે જેથી માઇગ્રન્ટનો રાજ્યાશ્રયનો દાવો નકારી કઢાય કે તરત જ તેને દેશનિકાલ કરી દેવામાં આવે અને તે પોતાના વતનના દેશમાં પહોંચી ને જ અપીલ દાખલ કરી શકે.

સરકારે જણાવ્યું છે કે રાજ્યાશ્રયના દાવા નકારી કઢાયા છે તેવા માઇગ્રન્ટ્સની પડતર અપીલોની સંખ્યા 1 લાખને પાર કરી ગઇ છે. તેને ઘટાડવાના પ્રયાસમાં દેશનિકાલને ઝડપી બનાવાશે કારણ કે તેમાંના ઘણા હાલમાં હોટેલોમાં રહે છે અને તેના માટે થતા ખર્ચનો બોજો બ્રિટનના કરદાતાઓ પર પડી રહ્યો છે.

સરકારે ભારત, બ્રાઝિલ, નાઇજિરિયા, કેન્યા, ઘાના, આલ્બેનિયા અને યુક્રેન સહિતના 25 સુરક્ષિત દેશોની યાદી તૈયાર કરી છે. આ દેશોમાંથી આવેલા માઇગ્રન્ટ્સના રાજ્યાશ્રયના દાવા નકારી કઢાશે કે તરત જ તેઓ અપીલ કરે તે પહેલાં દેશનિકાલ કરી શકાશે.

માઇગ્રન્ટ્સ સામે લેવાઇ રહેલા પગલાંનો લેબર સાંસદો વિરોધ કરી રહ્યાં છે પરંતુ શબાના માહમૂદ કડક વલણ પર મક્કમ છે. સરકારે જણાવ્યું છે કે ઇમિગ્રેશનની સ્પષ્ટ નીતિનો અર્થ એ નથી કે રાજ્યાશ્રય મેળવવામા નિષ્ફળ ગયેલા માઇગ્રન્ટ્સનો બોજો કરદાતાઓના માથે થોપી દેવામાં આવે.

અસાયલમ નિયમોમાં સુધારા પર ધાર્મિક આગેવાનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી, પુનઃવિચારણા કરવા અપીલ

હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા પ્રસ્તાવિત અસાયલમ નિયમોમાં સુધારા સામે ધાર્મિક નેતાઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કાયમી રેફ્યુજી સ્ટેટસના અધિકારનો અંત લાવવાથી નુકસાન થશે તેથી તેના પર પુનઃવિચારણા કરવાની જરૂર છે. સાત બિશપ, ત્રણ રાબ્બી અને એક ઇમામના જૂથે એક જાહેર પત્રમાં જણાવ્યું હતું કે, સેટલમેન્ટ અને સિટિઝનશિપ નિયમોમાં શબાના માહમૂદના પ્રસ્તાવિત બદલાવોથી અમે ઘણા ચિંતિત છીએ. તેમણે હોમ સેક્રેટરીને થોભી જવા, રજૂઆત સાંભળવા અને તેમની યોજનામાં સુધારો કરવાની અપીલ કરી છે. લેબર પાર્ટીના 100 જેટલા બેકબેન્ચર સાંસદો પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે કે આ બદલાવોથી સરકારની સામાજિક એકતા માટેની પ્રતિબદ્ધતાને અસર થશે. પત્રમાં હસ્તાક્ષર કરનાર ધાર્મિક આગેવાનોમાં લેસ્ટરના લોર્ડ બિશપ માર્ટિન સ્નો, ફિન્ચલી પ્રોગ્રેસિવ સિનેગોગના રાબ્બી રેબેકા બિર્ક, લીડ્સ મક્કા મસ્જિદના ઇમામ કારી આસિમનો સમાવેશ થાય છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમે સરકારને થોભી જવા અને પ્રસ્તાવો પર પુનઃવિચારણા અપીલ કરીએ છીએ. પ્રસ્તાવિત બદલાવોથી આગામી 20 વર્ષમાં યુકેમાં એક મિલિયન કરતાં વધુ લોકોના જીવનો પર અસર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter