લંડનઃ સરકારની નવી રાજ્યાશ્રય યોજના અંતર્ગત રાજ્યાશ્રય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલા પરિવારોને યુકે છોડવા માટે 40,000 પાઉન્ડ સુધીનું વળતર ચૂકવાશે. જો તેઓ વળતર સ્વીકારીને યુકે છોડવાનો ઇનકાર કરશે તો તેમને બળજબરીથી દેશનિકાલ કરાશે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે ઇમિગ્રેશન નિયમોમાં મોટા બદલાવની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, માનવીય અસાયલમ સિસ્ટમ માટે આ બદલાવ અત્યંત મહત્વના છે. આ સુધારા અંતર્ગત રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ રહેલા વિદેશી માઇગ્રન્ટને 10,000 પાઉન્ડ અને પરિવારના મહત્તમ 4 સભ્યોને યુકે છોડીને તેમના વતનના દેશમાં જવા માટે 40,000 પાઉન્ડ સુધી ચૂકવાશે. ડેન્માર્કમાં આજ પ્રકારની સ્કીમ અમલમાં મૂકાઇ છે. આ યોજનામાં બાળકોને કોઇ મુક્તિ આપવામાં આવી નથી.
માહમૂદનું કહેવું છે કે આ પ્રકારે રોકડમાં વળતર ચૂકવવાથી 20 મિલિયન પાઉન્ડની બચત કરી શકાશે કારણ કે એક પરિવાર પર સરકાર વાર્ષિક સરેરાશ 1,58,000 પાઉન્ડનો ખર્ચ કરી રહી છે. જો આ યોજના સફળ રહી તો સરકાર તેને વિસ્તારશે. 700 જેટલા આલ્બેનિયન પરિવારોને રાજ્યાશ્રય અપાયો નથી. જો તેમને આ યોજનામાં સામેલ કરાશે તો સરકાર 110 મિલિયન પાઉન્ડ બચાવી શકશે.
માહમૂદ દ્વારા કરાયેલા અન્ય મહત્વના બદલામાં લીગલ માઇગ્રન્ટ્સ માટે પરમેનેન્ટ સેટલ્ડ સ્ટેટસ હાંસલ કરવા ઇંગ્લિશની જાણકારીનું સ્તર વધારવામાં આવ્યું છે. તે ઉપરાંત રેફ્યુજી સ્ટેટસને પણ હવે હંગામી બનાવી દેવાયું છે. હવે દર 30 મહિને માઇગ્રન્ટના રેફ્યુજી સ્ટેટસની સમીક્ષા કરાશે અને જો તેના વતનના દેશમાં સ્થિતિમાં સુધારો થયો હશે તો તેને પરત મોકલી અપાશે.
રાજ્યાશ્રયવાંચ્છુને સહાય કરવાની ડિફોલ્ટ રિક્વાયરમેન્ટ પણ નાબૂદ કરી દેવાઇ છે. જેમની પાસે કામ કરવાનો અધિકાર છે છતાં કરતાં નથી અથવા તો કાયદાનું ઉલ્લંઘન કરે છે તેમને કોઇ પ્રકારના આર્થિક સહાય અપાશે નહીં.
રાજ્યાશ્રય નિયમોમાં સુધારા પર એક નજર
- કામ કરી શકવા સક્ષમ હોય, જે લોકો જાણીજોઇને કામ ન કરતા હોય અને અપરાધિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તેમને અપાતી આર્થિક સહાય બંધ કરાશે
- યુકેમાં પરમેનેન્ટ સેટલમેન્ટ માટેનો ક્વોલિફાઇંગ પીરિયડ પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરાશે, ડોક્ટર, નર્સ અને આર્થિક યોગદાન આપનારાને પ્રાથમિકતા અપાશે
- અંગ્રેજી ભાષાની જાણકારીનું સ્તર એ-લેવલ સ્ટાન્ડર્ડ પર લઇ જવાશે
- અફઘાનિસ્તાન, કેમરૂન, મ્યાનમાર અને સુદાનના નાગરિકો માટે સ્ટુડન્ટ વિઝા બંધ કરાશે
- રેફ્યુજી સ્ટેટસની દર 30 મહિને સમીક્ષા થશે અને વતનના દેશમાં સ્થિતિ સુરક્ષિત જણાશે તો રેફ્યુજીને પરત મોકલી અપાશે


