લંડનઃ સ્ટાર્મર સરકાર રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા માઇગ્રન્ટ્સને પશ્ચિમ બાલ્કન દેશોમાં મોકલી દેવાની યોજના પર વિચારણા કરી રહી છે. યોજના અંતર્ગત રાજ્યાશ્રય ન મળ્યો હોય તેમને આલ્બેનિયા, સર્બિયા, બોસ્નિયા અને નોર્થ મેસિડોનિયા જેવા દેશોમાં મોકલી દેવાશે.
જોકે આ યોજના અંતર્ગતના ભાગીદાર દેશો સમક્ષ હજુ સુધી કોઇ વિધિવત રજૂઆત કરાઇ નથી. યુકેમાં વસવાટ માટેના તમામ વિકલ્પો સમાપ્ત થઇ ગયા હોય તેવા રાજ્યાશ્રય વાંચ્છુઓને પશ્ચિમના બાલ્કન દેશો જેવા થર્ડ પાર્ટી દેશોમાં મોકલી અપાશે.
લેબર સરકારની આ યોજના યુકે સાથે વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલી આપવાના કરાર ન ધરાવતા હોય તેવા દેશોના રાજ્યાશ્રયવાંચ્છુઓ પર લાગુ કરાશે. રાજ્યાશ્રય ન મળે તો માઇગ્રન્ટ્સને તેમના વતનના દેશમાં પરત મોકલવા માટે યુકે હાલ 24 રિટર્ન એગ્રિમેન્ટ ધરાવે છે. જેમાં બાંગ્લાદેશ, ચીન, ડીઆરસી, ભારત, ઇરાક, સિએરા લિઓન, સોમાલિયા, સાઉથ સુદાન અને વિયેટનામનો સમાવેશ થાય છે.
જે રાજ્યાશ્રયવાંચ્છુઓને સીધા તેમના વતનના દેશમાં પરત મોકલી શકાતા નથી તેવા માઇગ્રન્ટ્ને સુરક્ષિત ગણી શકાય તેવા પશ્ચિમ બાલ્કન દેશોમાં મોકલી શકાય છે. અસુરક્ષિત ગણાતા દેશોના માઇગ્રન્ટ્સને પણ બાલ્કન દેશોમાં સ્થિત આ કેન્દ્રો ખાતે ખસેડવા પર વિચારણા ચાલી રહી છે. જોકે તેમને આ કેન્દ્રોમાં કેટલી મુદત સુધી રાખવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.
લેબર સરકારની યોજના રવાન્ડા યોજનાથી અલગ
સ્ટાર્મર સરકારની આ યોજના અગાઉની રિશી સુનાકના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા તૈયાર કરાયેલી રવાન્ડા યોજના કરતાં ઘણી અલગ છે. રવાન્ડા યોજનામાં કોઇપણ માઇગ્રન્ટને તેના દાવા પર કોઇપણ પ્રકારની સુનાવણી વિના રવાન્ડા મોકલવાની જોગવાઇ હતી. લેબર સરકારની યોજના એવા માઇગ્રન્ટ્સને લાગુ થશે જેમના રાજ્યાશ્રયના દાવાની સુનાવણી થઇ ચૂકી છે અને દાવાને નકારી કઢાયા છે.