લંડનઃ સરકાર દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવી રહ્યાં છે જેના પગલે રાજ્યાશ્રયની માગ કરનારા ડોક્ટર, નર્સ અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સને યુકેમાં કામ કરવાની પરવાનગી અપાશે. માન્ચેસ્ટર યુનિવર્સિટી અને લીગલ એક્સપર્ટ્સ દ્વારા ચલાવાયેલા એક અભિયાન બાદ સરકારે આ નિર્ણય લીધો છે. તેમણે અગાઉના નિયંત્રણોને પડકાર આપ્યો હતો.
રાજ્યાશ્રય પરના નિર્ણય માટે 12 મહિના કે તેથી વધુ સમય રાહ જોનારા રાજ્યાશ્રયવાંચ્છુઓને 26 માર્ચથી અમલી બની રહેલા નિયમોથી લાભ થશે.
અગાઉની નીતિ મુજબ રાજ્યાશ્રય માગનારાઓને માત્ર ‘ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ’માં સામેલ નોકરીઓમાં જ કામ કરવાની મંજૂરી હતી, જેમાં મોટાભાગના આરોગ્ય વ્યવસાયો, જેમ કે ડોક્ટર અને નર્સ સામેલ નહોતા. આ બદલાવ કાનૂની કાર્યવાહી પછી આવ્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું કે ઉચ્ચ લાયકાત ધરાવતા અને NHS માટે લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ સ્ટાફની અછતવાળા ક્ષેત્રોમાં કામ કરી શકતા નહોતા.
આ અભિયાનનું નેતૃત્વ લેનારા ડો. આયશા અવાને જણાવ્યું હતું કે, વૈશ્વિક ઘટનાક્રમ અને યુદ્ધોના કારણે સ્થળાંતરમાં વધારો થઇ રહ્યો છે. ડોક્ટરો, નર્સો અને હેલ્થ પ્રોફેશનલ્સ પણ તેમાં સામેલ છે અને તેઓ તેમની કુશળતા ગુમાવી રહ્યાં છે તેથી આપણે તેના પર નૈતિકતાથી વિચાર કરવો જોઇએ.


