લંડનઃ બ્રિટનની માઇગ્રન્ટ કટોકટી હોટેલ માલિકો માટે સોનાની ખાણ પૂરવાર થઇ હતી પરંતુ હવે તેમના દિવસો પૂરા થઇ રહ્યાં છે. એપિંગની બેલ હોટેલના કેસે હાલપુરતી તો સ્ટાર્મર સરકારને રાહત આપી છે પરંતુ દેશમાં થઇ રહેલા વિરોધના કારણે સરકાર માટે માઇગ્રન્ટ્સને હોટેલોમાં રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે. સરકારે 2029 સુધીમાં હોટેલોનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત તો કરી છે પરંતુ ઉગ્ર બની રહેલા આંદોલનના કારણે સરકારને આ કામ વહેલું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બેલ હોટેલ કેસની ન્યાયિક સમીક્ષા ઓક્ટોબરમાં થવાની છે. જો તેમાં પછડાટ મળશે તો સરકાર માટે મુશ્કેલી સર્જાશે.
2024ના અંતે 38000 કરતાં વધુ રાજ્યાશ્રયવાંચ્છુ હોટેલોમાં રખાયા હતા જેના કારણે સરકાર પર પ્રતિ દિવસ 5.8 મિલિયન પાઉન્ડનો બોજો પડી રહ્યો હતો પરંતુ હોટેલ માલિકોને તગડી આવક થઇ રહી હતી. બ્રિટાનિયા હોટેલ્સના માલિક એલેક્સ લેંગસેમ તો એક દિવસના 1,00,000 પાઉન્ડ કમાઇ રહ્યાં હતાં. આમ અસાયલમ કોન્ટ્રાક્ટ હોટેલ માલિકો માટે દુઝણી ગાય સમાન પૂરવાર થઇ રહ્યો હતો. જો હવે સરકાર અસાયલમ સીકર્સને હોટેલોમાં રાખવાનું બંધ કરશે તો હોટેલ માલિકોને મોટો ફટકો પડશે.
રાજ્યાશ્રયવાંચ્છુઓ દ્વારા લક્ઝરી માલસામાનની ખરીદી પર હોમ ઓફિસની રોક
હોમ ઓફિસે રાજ્યાશ્રયવાંચ્છુઓ દ્વારા કરાતી લક્ઝરી માલસામાનની ખરીદી પર રોક લગાવી દેવાઇ છે. જોકે સવાલ એ છે કે રાજ્યાશ્રયવાંચ્છુઓના નોકરી કરવા પર પ્રતિબંધ છે અને તેમને દર સપ્તાહે 9.95 પાઉન્ડની સહાય કરાય છે. આવી સ્થિતિમાં તે લક્ઝરી સામાનની ખરીદી કેવી રીતે કરી શકે તે એક મોટો સવાલ છે. જે લોકો સેલ્ફ કેટરિંગ એકોમોડેશનમાં રહે છે તેમને દર સપ્તાહે 49.18 પાઉન્ડ ચૂકવાય છે જેમાંથી તેણે તમામ ખર્ચ કાઢવાનો હોય છે આવી સ્થિતિમાં તે પણ કેવી રીતે લક્ઝરી સામાનની ખરીદી કરી શકે...


