લંડનઃ બ્રિટનના ડર્બીશાયરમાં રહેતા નિવૃત્ત ઈન્વેસ્ટર માઈકલ કાર્પેન્ટર રાતોરાત મિલિયોનેર બની ગયા હતા. કાર્પેન્ટરના સ્ટોક એકાઉન્ટમાં અચાનક 120,000 પાઉન્ડમાંથી 2.7 મિલિયન પાઉન્ડ થઈ ગયા હતા. જોકે, કંપનીએ આ રોકાણકારને ભૂલથી રાતોરાત ૨૨૦૦ ટકા રિટર્ન આપી દીધું હતું.
બ્રિટિશ રોકાણકાર માઈકલ કાર્પેન્ટરે ખાનગી એસેટ મેનેજમેન્ટ સર્વિસ કંપની હારગ્રીવ્સ લેન્સડાઉનમાં 98000 પાઉન્ડનું રોકાણ કર્યું હતું. તેનું ભારતની કરન્સીમાં એક કરોડ રૂપિયાનું મૂલ્ય થવા જતું હતું. તેને એક જ રાતમાં તોતિંગ વળતર મળ્યું અને એકાઉન્ટમાં 2.63 મિલિયન પાઉન્ડ જેવી રકમ જોવા મળી હતી. કાર્પેન્ટરને સાત આંકડાની રકમને જોતા ભારે આશ્વર્ય થયું હતું. તેને પહેલાં તો વિશ્વાસ આવ્યો ન હતો. કંપનીના શેરમાં રાતોરાત 2200 ટકાનો વધારો થયો હતો. આટલું મોટું વળતર કેવી રીતે મળ્યું તે બાબતે તેણે તપાસ કરી હતી. કંપનીને ફોન કરીને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે એ કોઈ ટેકનિકલ ભૂલથી થયું હતું.
98000 પાઉન્ડના રોકાણકારના એકાઉન્ટમાં ભૂલથી 2.63 મિલિયન પાઉન્ડ જમા થઈ ગયા હતા. કંપનીએ એ રકમ પાછી લઈ લીધી હતી. આ ભૂલ સામે આવ્યા પછી કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કસ્ટમરનું આ કંપની સાથે જોડાયેલું અકાઉન્ટ કંઈક અલગ રકમ બતાવતું હતું. એમાં ટેકનિકલ ગરબડ થઈ હતી. તેને બરાબર કરી દેવામાં આવી હતી.
માઈકલ કાર્િપેન્ટર જ એક વ્યક્તિ નથી જેના એકાઉન્ટમાં આટલી મોટી રકમ જમા થઈ હોય. અન્ય લોકોએ પણ તેમના ખાતામાં મોટી રકમો જમા થયાનું જણાવ્યું છે. કાર્પેન્ટરે હારગ્રીવ્સ લેન્સડાઉનને ફરિયાદ કરી છે કે આ રકમ સાચી હોવાનું જાણવા તેણે પોતાનો કેટલોક સ્ટોક વેચવાની ફરજ પડી હતી.

