લંડનઃ ભારતના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ અંગે પક્ષપાતી પત્રકારત્વ કરવા માટે યુકેના સાંસદ બોબ બ્લેકમેને બ્રિટિશ મીડિયાની આકરી ટીકા કરી છે. યુકેની સંસદમાં બોલતાં બ્લેકમેને બીબીસીના રિપોર્ટિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. બીબીસીએ તેના રિપોર્ટિંગમાં બાબરી મસ્જિદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બ્લેકમેને જણાવ્યું હતું કે, અયોધ્યામાં બાબરી મસ્જિદના નિર્માણના બે હજાર વર્ષ કરતાં પહેલાં રામ મંદિર હતું તે હકીકતની બીબીસીએ અવગણના કરી છે. ભારત સરકારે તોડી પડાયેલી મસ્જિદના બદલામાં મુસ્લિમોને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીનની ફાળવણી કરી છે.
બ્લેકમેને જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ. વિશ્વભરના હિન્દુઓ માટે આ એક ભવ્ય અને આનંદનો પ્રસંગ હતો. બીબીસીએ તેના રિપોર્ટિંગમાં 2000 કરતાં વધુ વર્ષથી તે સ્થળે રામ મંદિર હતું તે હકીકતની અવગણના કરીને તેના કવરેજમાં બાબરી મસ્જિદને તોડી નંખાયાને વધુ મહત્વ આપ્યું હતું.
બ્લેકમેને જણાવ્યું હતું કે, બીબીસીના પક્ષપાત માટે સંસદમાં ચર્ચા માટે સમય ફાળવવામાં આવે. બીબીસી વિશ્વમાં શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેનું વાસ્તવિક કવરેજ આપવામાં નિષ્ફળ રહી છે.


