‘ક્લેપ ફોર કેરર્સ’ - બ્રિટિશ પ્રજાએ પણ તાળીઓ પાડી NHSને વધાવી

ધ લંડન આઈ, વેમ્બલી આર્ક અને રોયલ આલ્બર્ટ હોલ સહિત દેશની લેન્ડમાર્ક ઈમારતો પર NHSના ભૂરા રંગની રોશની પથરાઈઃ NHSના ડોક્ટર્સ સહિત હેલ્થ કર્મચારીઓએ બ્રિટિશરોની લાગણીથી ગદગદિત થઈ વળતો આભાર વ્યક્ત કર્યો

Friday 27th March 2020 02:05 EDT
 
 

લંડનઃ ભારતની માફક જ બ્રિટિશ જનતાએ એકતાના અભૂતપૂર્વ પ્રદર્શનમાં લાખો નાગરિકોની કાળજી લેનારી આરોગ્યસેવા NHS અને તેના હેલ્થ કર્મચારીઓને ૨૬ માર્ચ, ગુરુવારે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. લાખો બ્રિટિશરોએ પોતાના ઘર, પાર્ક્સ, ગાર્ડન્સ અને શેરીઓમાં રહી ડોક્ટર્સ, નર્સીસ સહિત હેલ્થ સ્ટાફને તાળીઓ પાડી તેમજ અન્ય વસ્તુઓ વગાડીને વધાવ્યા હતા. પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈ પણ રાષ્ટ્રવ્યાપી ‘ક્લેપ ફોર કેરર્સ’ અભિયાનમાં સામેલ થયાં હતાં. NHSના ડોક્ટર્સ સહિત હેલ્થ કર્મચારીઓએ બ્રિટિશરોની લાગણીથી ગદગદિત થઈ વળતો આભાર વ્યક્ત કર્યો હતો. ધ લંડન આઈ, વેમ્બલી આર્ક અને રોયલ આલ્બર્ટ હોલ સહિત દેશની લેન્ડમાર્ક ઈમારતો પર NHSના ભૂરા રંગની રોશની પથરાઈ ગઈ હતી.

ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને અનુસરી ૨૨ માર્ચ રવિવારે ‘જનતા કરફ્યૂ’ દરમિયાન લોકોએ કોરોના વાઈરસ કોવિડ-૧૯ રોગચાળાના કપરા સંજોગોમાં દેશવાસીઓની ખડે પગે સેવા કરનારા ડોક્ટર્સ, નર્સીસ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ સહિતના લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા તાળી, થાળી તેમજ શંખ અને ઘંટ વગાડી વાતાવરણ ગુંજાવી દીધું હતું. બરાબર આ જ રીતે બ્રિટિશ જનતાએ લાખો નાગરિકોની કાળજી લેનારી આરોગ્યસેવા NHS અને તેના હેલ્થ કર્મચારીઓને ૨૬ માર્ચ, ગુરુવારે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે પણ પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈની તાળીઓ વગાડતી તસવીર ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. વિન્ડસર કેસલ ખાતે એકાંતવાસ ગાળતા ક્વીને પણ કોરોના વાઈરસના આક્રમણ સામે દેશની જનતાને બચાવવામાં કર્મચારીઓની પ્રતિબદ્ધતા સંદર્ભે દેશ તેમનો આભારી હોવાનું જણાવ્યું હતું. ટેસ્ટ પોઝિટિવ હોવાથી સ્કોટલેન્ડમાં એકાંતવાસમાં રહેતા પ્રિન્સ ચાર્લ્સે પણ કર્મચારીઓને વધાવ્યા હતા. કેન્સિન્ગટન પેલેસના એકાઉન્ટની પોસ્ટમાં ‘#COVID19થી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સતત કાર્યરત ડોક્ટર્સ, નર્સીસ, કેરર્સ, જીપી, ફાપ્માસિસ્ટ્સ, વોલન્ટીઅર્સ તેમજ NHSના અન્ય સ્ટાફ માટેઃ થેન્ક યુ’ લખવામાં આવ્યું હતું. પીઅર્સ મોર્ગન, ક્રિસ મોયલ્સ અને કેટ ગેરાવે સહિત સેલેબ્રિટી પ્રેઝન્ટર્સે પણ આ ‘ક્લેપ ફોર કેરર્સ’ અભિયાનને સમર્થન આપ્યું હતું. 

સમગ્ર દેશમાં લિંકનશાયર, સ્ટેફોર્ડશાયર, મર્સીસાઈડ અને વેસ્ટ મિડલેન્ડ્સ સહિતના વિસ્તારોમાં પણ લોકોએ ગુરુવારની રાત્રિના આઠ વાગ્યાથી તેમના હાથમાં જે આવ્યું તે વગાડી તેની ગૂંજ સર્વત્ર ફેલાવી હતી. લાખો નાગરિકોએ તેમના ઘરના પ્રવેશદ્વાર, બાલ્કનીઓ, બારીઓ, ઘરની છત અને ગાર્ડનમાં ઉભા રહીને NHS સ્ટાફની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ પછી આતશબાજીના પ્રકાશથી દેશનું આકાશ છવાઈ ગયું હતું. લાગણીશીલ સલામમાં ધ લંડન આઈ, વેમ્બલી આર્ક, ધ શાર્ડ, ટાવર બ્રિજ અને રોયલ આલ્બર્ટ હોલ સહિત દેશની લેન્ડમાર્ક ઈમારતો પર NHSના ભૂરા રંગની રોશની પથરાઈ ગઈ હતી.

NHSના ચીફ નર્સિંગ ઓફિસર રુથ મેએ જણાવ્યું હતું કે દેશની લાગણીભીની સેલ્યુટની તેઓ કદર કરે છે. મિસ મેએ જણાવ્યું હતું કે, ‘અમારા કેર સ્ટાફમાં નર્સીસ અને મીડવાઈવ્ઝ ચોવીસ કલાક કાર્યરત છે. તેઓ સખત કામ કરે છે. તેમનો આભાર માનવા બદલ મારાં પણ આપ સહુને અંગત થેન્ક યુ. અમારા NHS સ્ટાફને તમે બિરદાવ્યા તેનાથી હું વિનમ્રતા સાથે ગૌરવની લાગણી અનુભવું છે. આપ સર્વનો આભાર’

‘ક્લેપ ફોર કેરર્સ’ અભિયાનનો ઓનલાઈન આરંભ કરાયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે ‘આવાં કપરા સમયમાં આપણે તેમના આભારી છીએ તે જણાવવું આવશ્યક છે. ઈટાલી અને સ્પેનમાં પણ આ પ્રકારે અભિયાન ચાલ્યાં હતાં. ‘ક્લેપ ફોર કેરર્સ’ #lightitblue અભિયાનનો હિસ્સો છે, જેનું આયોજન ઈવેન્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સભ્યો દ્વારા કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter