લંડન
પબ્લિક એપોઇન્ટમેન્ટ્સ માટેના ગવર્નન્સ કોડનું ઉલ્લંઘન કર્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ રિચર્ડ શાર્પે બીબીસીના ચેરમેનપદેથી રાજીનામુ આપી દીધું છે. પોતાની નિયુક્તિની પ્રક્રિયા પરની બેરિસ્ટર એડમ હેપ્પિન્સ્ટોલ કેસી દ્વારા કરાયેલી સમીક્ષાના તારણો જાણ્યા બાદ શાર્પે જહેરાત કરી હતી કે તે હોદ્દો છોડી દેશે.
રિચર્ડ શાર્પની બીબીસીના ચેરમેન પદે નિયુક્તિ માટે ભલામણ કરાઇ તે પહેલાં તેમણે તત્કાલિન વડાપ્રધાન બોરિસ જોન્સન માટે 8 લાખ પાઉન્ડની લોન ગેરેંટી ઉપલબ્ધ કરાવવા માટે ભુમિકા ભજવી હોવાનું સામે આવ્યા બાદ આ તપાસ સોંપવામાં આવી હતી.
એક નિવેદનમાં શાર્પે જણાવ્યું હતું કે, તપાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે મેં પબ્લિક એપોઇન્ટમેન્ટ માટેન ગવર્નન્સ કોડનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ આ ઉલ્લંઘન મારી નિયુક્તિને ગેરલાયક ઠેરવતું નથી.
જોકે મેં બીબીસીના હિતોને પ્રાથમિકતા આપવનું નક્કી કર્યું છે. મને એમ લાગે છે કે આ મામલાના કારણે જો હું મારી ટર્મ પૂરી થાય ત્યાં સુધી હોદ્દા પર રહીશ તો બીબીસીના સારા કાર્યો પર અસર પડી શકે છે . તેથી મેં આજે (શુક્રવારે) સવારે સેક્રેટરી ઓફ સ્ટેટ અને બોર્ડને બીબીસીના અધ્યક્ષપદેથી રાજીનામુ મોકલી આપ્યું છે.


