લંડનઃ લિન્કનશાયરમાં આવેલી લિન્ડસે ઓઇલ રિફાઇનરી બંધ થઇ જવા માટે જવાબદાર દંપતીને ગયા વર્ષે કંપનીમાંથી 3.65 મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ ચૂકવાયું હતું. તે સમયે રિફાઇનરીએ 30 મિલિયન પાઉન્ડની ખોટ બતાવી હતી. સંજીવ કુમાર અને અરાની સૂસાઇપિલ્લઇને આ નાણા પ્રાક્સ ગ્રુપના માલિકો તરીકે ચૂકવાયાં હતાં. આજ ગ્રુપ લિન્ડસે ઓઇલ રિફાઇનરીનું સંચાલન કરી રહ્યું હતું.
રિફાઇનરી બંધ થઇ જવાના કારણે સરકારની ઇનસોલ્વન્સી સર્વિસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી જેથી તેના ઓપરેશનો ચાલુ રાખી શકાય. આ ડિવિડન્ડ રિફાઇનરી બિઝનેસ દ્વારા ચૂકવવાના બદલે ગ્રુપ લેવલે ચૂકવાયું હતું. ગ્રુપે પણ વર્ષ 2024માં 28.6 મિલિયન પાઉન્ડની ખોટ બતાવી હતી.
સરકાર હવે જવાબ માગી રહી છે કે બ્રિટનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વનું સ્થાન ધરાવતી રિફાઇનરી કેવી રીતે નાદાર થઇ ગઇ. તે અંતર્ગત હવે ડિવિડન્ડની ચૂકવણીની પણ ચકાસણી કરાશે.