લંડનઃ તાજેતરમાં યોજાયેલી રનકોર્ન એન્ડ હેલ્સબીની સંસદીય પેટાચૂંટણીમાં ચૂંટાઇ આવેલા રિફોર્મ યુકેના નવા સાંસદ સારા પોચિને બ્રિટનમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતાં રિફોર્મ યુકેમાં જ તડાં સર્જાયાં છે. બુધવારે પીએમક્યૂ દરમિયાન સારા પોચિને વડાપ્રધાન સ્ટાર્મર સમક્ષ માગ કરી હતી કે જાહેર સુરક્ષાના હિતમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવે. જોકે વડાપ્રધાને તેમની માગને નકારી કાઢી હતી.
રિફોર્મ યુકેના અધ્યક્ષ ઝિયા યુસુફે સારા પોચિનની આ માગને મૂર્ખતાપૂર્ણ ગણાવી હતી. યુસુફે જણાવ્યું હતું કે પીએમક્યૂ માટે સારા પોચિન અલગ વિષય પસંદ કરી શક્યાં હોત. રિફોર્મ યુકે પાર્ટી જ જે કરવાની નથી કે કરવા માટે વડાપ્રધાનને જણાવવું તે મૂર્ખતા છે. સંસદની છેલ્લી ચૂંટણીમાં પણ રિફોર્મ યુકેએ બુરખા પર પ્રતિબંધ મૂકવા માટેની કોઇ નીતિ અપનાવી નહોતી.