રિફોર્મ યુકેનો ઉદયઃ બ્રિટિશ રાજનીતિમાં નવા યુગનો પ્રારંભ

નાઇજલ ફરાજની પાર્ટીએ લેબર અને કન્ઝર્વેટિવ સામે અત્યંત પડકારજનક સ્થિતિ સર્જી દીધી છે, રિફોર્મ યુકેની અસરો ખાળવા મુખ્ય પ્રવાહની બંને પાર્ટી હવે શું કરશે તેના પર તમામની નજર

Tuesday 06th May 2025 16:17 EDT
 
 

લંડનઃ સંસદની પેટાચૂંટણી, કાઉન્સિલ અને મેયરપદની ચૂંટણીમાં નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં નાઇજલ ફરાજ અને તેમની રિફોર્મ યુકે પાર્ટીને મળેલી સફળતાએ રાતોરાત બ્રિટિશ રાજનીતિને બદલી નાખી છે. ચૂંટણીના પરિણામો મજબૂત સંકેત આપી રહ્યાં છે કે બ્રિટનમાં રાજનીતિના નવા યુગનો પ્રારંભ થઇ ગયો છે. મુખ્ય ધારાની રાજકીય પાર્ટીઓ માટે આ બદલાવ અત્યંત પડકારજનક બની રહેવાનો છે.

ચૂંટણીના પરિણામોએ એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે રિફોર્મ યુકે એક પુખ્ત અને ઘાતકી રાજકીય પરિબળ તરીકે આગળ વધવાનું જારી રાખશે. સમગ્ર દેશમાં રિફોર્મ યુકે લેબર તેમજ કન્ઝર્વેટિવના દબદબાવાળા વિસ્તારોમાં પણ મત પ્રાપ્ત કરી રહી છે. જુલાઇ 2024ની સંસદની ચૂંટણીમાં રિફોર્મ યુકેને મળ્યા હતા તેના કરતાં બમણા એટલે કે 40 ટકા મત પ્રાપ્ત થયાં છે. તેમણે લિબરલ ડેમોક્રેટના ગઢમાં પણ ગાબડાં પાડ્યાં છે.

બીજી એક મહત્વની વાત એ છે કે લેબર પાર્ટી વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શક્તી હતી પરંતુ હવે તેણે વધુ મહેનત કરવી પડશે. લેબર પાર્ટીના મતમાં ઘટાડો તો થયો છે પરંતુ તે ધરાશાયી થઇ નથી. તે હજુ પોતાનો વોટ શેયર વધારી શકે છે. જોકે રનકોર્ન એન્ડ હેલ્સબીની સંસદીય પેટાચૂંટણીમાં લેબર પાર્ટી નિષ્ફળ રહી છે. દેશમાં સુરક્ષિત મનાતી લેબર બેઠક ફક્ત 6 મત માટે ગૂમાવવી પડી છે.

જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં 150 કરતાં વધુ બેઠક પર રિફોર્મ યુકેએ સરસાઇ કરતાં વધુ મત હાંસલ કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરની ચૂંટણીમાં રિફોર્મ યુકેએ પૂરવાર કરી દીધું છે કે તે હવે લેબર પાર્ટીને પણ નુકસાન કરી શકે છે. આમ દેશની બંને પરંપરાગત રાજકીય પાર્ટીને રિફોર્મ યુકે પડકાર આપવામાં સક્ષમ બની ગઇ છે.

સત્તાધારી લેબર પાર્ટીએ રિફોર્મના પ્રભાવને ખાળવા નીતિઓમાં બદલાવ શરૂ કર્યા હતા પરંતુ તે પોતાના સિદ્ધાંતો સાથે કેટલી હદે સમાધાન કરશે તે એક મોટો સવાલ છે. ટોરીઝ માટે પણ ફરાજ એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યા છે. શું ટોરીઝ હવે વધુ જમણેરી બનીને ફરાજને અટકાવવાના પ્રયાસ કરશે..

દેશમાં બે પાર્ટીની રાજનીતિના યુગનો અંતઃ નાઇજલ ફરાજ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, દેશમાં બે પાર્ટીની રાજનીતિના યુગનો અંત આવ્યો છે. ફરાજે જણાવ્યું હતું કે કાઉન્સિલની ચૂંટણીના પરિણામો કન્ઝર્વેટિવોના અંતનો પ્રારંભ છે અને દર્શાવે છે કે રિફોર્મ યુકે લેબર પાર્ટીના ગઢમાં પણ ગાબડાં પાડી શકે છે. જે લોકો મારી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષાની મજાક ઉડાવી રહ્યાં હતાં તેમના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઇ ગયું છે. તેમણે તેમની પાર્ટીની સફળતાને રિફોર્મક્વેક તરીકે ગણાવી હતી.

રિફોર્મ યુકેને જવલંત સફળતા અપાવનાર ઝિયા યુસુફ

લંડનઃ બ્રિટિશ રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ કરવામાં રિફોર્મ યુકેને સફળતા અપાવનાર નામ છે ઝિયા યુસુફ. 39 વર્ષીય યુસુફ અગાઉ ટોરીઝના કટ્ટર સમર્થક હતા. હવે તેઓ નાઇજલ ફરાજને યુકેના આગામી વડાપ્રધાન બનાવવા માગે છે. શાળાના મિત્ર સાથે મળીને લક્ઝરી કોનસિયર્જ કંપનીની સ્થાપના કરનાર યુસુફે એક વર્ષ પહેલાં જ 235 મિલિયન પાઉન્ડમાં કંપની વેચી દીધી હતી અને જૂન 2024માં રિફોર્મ યુકેને 6 આંકડાનું ડોનેશન આપ્યું હતું. યુસુફે પાર્ટીનું ચેરમેનપદ સંભાળ્યું ત્યારથી તેના સભ્યોની સંખ્યા 60,000થી વધીને 2,27,000 પર પહોંચી છે. રિફોર્મ યુકેની શાખાઓ શૂન્યથી 460 થઇ છે.

અમારે જનતાની અપેક્ષા પ્રમાણે ઝડપથી બદલાવ કરવા પડશેઃ વડાપ્રધાન સ્ટાર્મર

સંસદીય પેટાચૂંટણીમાં પરાજય બાદ વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, પરિણામ જોતાં એમ લાગી રહ્યું છે કે અમારે જનતાની અપેક્ષા પ્રમાણે ઝડપથી બદલાવ કરવા પડશે. બજેટમાં સરકાર દ્વારા લેવાયેલાં આકરાં પગલાંના પરિણામ હવે જોવા મળી રહ્યાં છે.

આપણે જનતાનો વિશ્વાસ ગૂમાવી ચૂક્યાં છીએઃ કેમી બેડનોક

લંડનઃ કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીના ધબડકા માટે ઉમેદવારો અને સમર્થકોની માફી માગતા જણાવ્યું હતું કે, આપણી વિરોધી પાર્ટીઓ સારો દેખાવ કરી રહી છે જે હતાશાજનક છે. આપણે જનતાનો વિશ્વાસ ગૂમાવી ચૂક્યાં છીએ. હું પરાજિત ઉમેદવારોની માફી માગુ છું કારણ કે તેમણે ઘણી મહેનત કરી હતી. આપણે આ બેઠકો પુનઃપ્રાપ્ત કરીશું. કેમ્બ્રિજશાયર એન્ડ પીટરબરોના મેયરપદની ચૂંટણીમાં વિજય આશાના કિરણ સમાન છે. મારા પ્રચાર દરમિયાન મેં જોયું છે કે જનતા લેબર સરકારથી પરેશાન છે. વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ, જોબ ટેક્સ સામે જનતામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે પરંતુ તે હજુ આપણા પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આપણે જનતાનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ મને આ કાર્ય સોંપ્યું છે અને હું પાર્ટીને લેબરનો વિશ્વસનીય વિકલ્પ બનાવવાનું સુનિશ્ચિત કરીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter